નેશનલવેપાર

શેરડીનું પિલાણ મોડું થતાં અત્યાર સુધીમાં ખાંડના ઉત્પાદનમાં ૪૪ ટકાનો ઘટાડો

નવી દિલ્હી: ગત ઑક્ટોબર મહિનાથી શરૂ થયેલી વર્તમાન વર્ષ ૨૦૨૪-૨૫ની ખાંડ મોસમના પહેલા છ સપ્તાહમાં બહુ થોડી મિલોએ શેરડીનું પિલાણ શરૂ કર્યું હોવાથી ખાંડનું ઉત્પાદન ગત મોસમના સમાનગાળાના ૧૨.૭૦ લાખ ટનની સરખામણીમાં ૪૪ ટકા ઘટીને ૭.૧૦ લાખ ટનની સપાટીએ રહ્યું હોવાનું ઔદ્યોગિક સંગઠન નેશનલ ફેડરેશન ઑફ કૉ ઑપરેટિવ સુગર ફેક્ટરીઝ લિ. (એનએફસીએસએફએલ) એ જણાવ્યું છે.


Also read: ખાંડમાં ખપપૂરતા કામકાજે ક્યાંક વધારો તો ક્યાંક ઘટાડો


ફેડરેશનની યાદીમાં જણાવ્યાનુસાર ગત ૧૫મી નવેમ્બર સુધીમાં માત્ર ૧૪૪ ખાંડ મિલો કાર્યાન્વિત હતી, જ્યારે ગત સાલના સમાનગાળામાં ૨૬૪ ખાંડ મિલો કાર્યાન્વિત હતી. દેશનાં ટોચના ત્રણ ખાંડ ઉત્પાદક રાજ્યો પૈકીના એક એવા મહારાષ્ટ્રમાં હજુ પિલાણ શરૂ થયું નથી, જ્યારે ગત સાલના સમાનગાળામાં રાજ્યની ૧૦૩ મિલોએ પિલાણ શરૂ કર્યું હતું.


Also read: ઑક્ટોબરમાં તેલખોળની નિકાસ પાંચ ટકા વધી, રાયડાખોળના શિપમેન્ટ ઘટ્યા


જોકે, સમીક્ષા હેઠળના સમયગાળામાં ખાંડનો રિકવરી રેટ ગત સાલના સમાનગાળાની સમકક્ષ ૭.૮૨ ટકાના સ્તરે સ્થિર રહ્યો હોવાનું જણાવતા ફેડરેશને યાદીમાં ઉમેર્યું હતું કે આ સમયગાળામાં કર્ણાટકમાં માત્ર ૪૦ ખાંડ મિલો કાર્યાન્વિત રહેતાં ઉત્પાદન ઘટીને ૨૬.૨૫ લાખ ટન (૫૩.૭૫ લાખ ટન) અને ઉત્તરપ્રદેશ ખાતે ૮૫ ખાંડ મિલો કાર્યાન્વિત રહી છે. ફેડરેશને વર્તમાન વર્ષ ૨૦૨૪-૨૫માં ખાંડનું ઉત્પાદન આગલી મોસમના ૩૧૯ લાખ ટન સામે ઘટીને ૨૮૦ લાખ ટન રહેવાનો અંદાજ મૂક્યો હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button