સાકરના વધતા ભાવના નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે ભર્યું સૌથી મોટું પગલું

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે તહેવારોની સિઝનમાં સાકરના વધતા ભાવને નિયંત્રિત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે સાકરની નિકાસ પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબરથી આગળના આદેશ સુધી લંબાવ્યો છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ બુધવારે જારી કરેલા એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે સાકરની નિકાસ પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર, 2023 પછી પણ ચાલુ રહેશે. સૂચના અનુસાર આ પ્રતિબંધ આગામી આદેશો સુધી અમલમાં રહેશે, જેમાં તમામ પ્રકારની સાકરનો સમાવેશ થાય છે.
જોકે, સૂચિત નોટિફિકેશન મુજબ સંબંધિત જાહેર સૂચનામાં નિર્ધારિત પ્રક્રિયા અનુસાર CXL અને TRQ ક્વોટા હેઠળ EU અને USમાં નિકાસ કરવામાં આવતી ખાંડ પર આ પ્રતિબંધ લાગુ થશે નહીં.
ડીજીએફટીએ તહેવારોની સિઝનમાં ખાંડની વધતી કિંમતોને કારણે નિકાસ પરનો પ્રતિબંધ ચાલુ રાખવા માટે આ આદેશ જારી કર્યો છે. ડીજીએફટીએ અગાઉ પહેલી જૂન, 2022થી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. છેલ્લી વખત ભારતે 2016માં વિદેશી વેચાણને રોકવા માટે ખાંડની નિકાસ પર 20 ટકા ટેક્સ લાદ્યો હતો. ભારત વિશ્વનો સૌથી મોટો ખાંડ ઉત્પાદક અને બ્રાઝિલ પછી બીજો સૌથી મોટો નિકાસકાર છે.
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે તાજેતરમાં ખાંડના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ હિતધારકોને 17 ઓક્ટોબર સુધીમાં ખાદ્ય મંત્રાલયની વેબસાઇટ પર તેમના સ્ટોક જાહેર કરવા માટે અંતિમ ચેતવણી આપી હતી. સરકારે કહ્યું હતું કે આવું નહીં કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.