ચાલુ ટ્રેનમાં અચાનક લાગી આગ: સ્થાનિક ખેડૂતોએ ખેતરના પાણીથી કર્યું રેસ્ક્યુ
ઈન્દોર: મધ્યપ્રદેશમાં ચાલતી ટ્રેનમાં આગ લાગવાની ઘટનાના અહેવાલો મળી રહ્યા છે. આજે રવિવારે મહુથી રતલામ જઈ રહેલી ડેમું ટ્રેનમાં આગ લાગી હતી અને આ દરમિયાન સ્થિતિ એવી સર્જાય કે મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને જીવ બચાવવો પડ્યો. ટ્રેનના એન્જિનમાં આગ લાગવાની આ ઘટના રૂણીજા અને પ્રિતમનગર સ્ટેશન વચ્ચે બની હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યપ્રદેશમાં ડૉ. આંબેડકર નગર (મહુ) થી રતલામ તરફ જઈ રહેલી DEMU ટ્રેનના એન્જિનમાં રૂનીજા અને પ્રિતમનગર સ્ટેશન વચ્ચે આગ લાગી હતી. એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોઈને ડ્રાઈવરે ટ્રેન રોકી અને એન્જિનમાં રાખેલા અગ્નિશામક યંત્રથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. જો કે ત્યારબાદ ખેતરોમાં હાજર ખેડૂતો અને ગ્રામજનોએ ખેતરમાં સિંચાઈ કરવા માટે પાઈપ અને મોટર પંપમાંથી પાણી નાખી આગ ઓલવી હતી. ટ્રેનમાં આગ કયા કારણે લાગી હતી તે હજુ સ્પષ્ટ નથી થયું.
રવિવારે સાંજે લગભગ 5:07 વાગ્યે ટ્રેન રૂનિજા સ્ટેશનથી નીકળ્યા બાદ તેના આગળના ભાગમાં આગ લાગી હતી અને તેના લીધે એન્જિનમાં ધુમાડો નીકળવા લાગ્યા હતા. જેના કારણે મુસાફરોમાં ભાગદોડ મચી ગઈ હતી, આગને જોઈને પાયલટે ટ્રેન રોકી હતી અને બાદમાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પાણીની મદદ લઈને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સમયે લોકોએ ટ્રેનમાંથી જીવ બચાવવા માટે ઉતરીને ભાગ્યા હતા.