
નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી જળવાઈ રહેતા હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારનો સાધારણ ગુણવત્તાનુસાર ઘટાડો જોવા મળ્યો હતો. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ઉપાડ લગભગ ૨૬થી ૨૭ ટ્રકનો રહ્યો હતો. જોકે, આજે સ્મોલ ગ્રેડની ખાંડમાં માગને ટેકે વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૧૨થી ૩૭૨૨માં ટકેલા ધોરણે થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં અમુક માલની ગુણવત્તા નબળી આવી હોવાથી તેના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારના સાધારણ ઘટાડા સાથે રૂ. ૩૭૨૨થી ૩૭૮૦માં થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની છૂટીછવાઈ માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૭૦થી ૩૬૧૦માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૩૦થી ૩૬૮૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.