મુંબઈ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ મુદ્દે આવી મોટી અપડેટ, જાણો ગૂડ ન્યૂઝ?

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રાલયના સૌથી મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા છે. મુંબઈથી અમદાવાદ વચ્ચેની હાઈ સ્પીડ બુલેટ ટ્રેનના પ્રકલ્પનું સૌથી મોટું કામ 100 ટકા પૂરું કર્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દાદરા-નગર હવેલીમાં બુલેટ ટ્રેનના યોજનાના લોકપ્રિય કોરિડોર માટે જમીન અધિગ્રહણનું કામકાજ 100 ટકા પૂરું કરવામાં આવ્યું છે. આ મુદ્દે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પરના પ્લેટફોર્મ એક્સ પર માહિતી શેર કરતા લખ્યું હતું કે પ્રસ્તાવિત બુલેટ ટ્રેનના કોરિડોરમાં 1,389.49 હેક્ટર જમીન અધિગ્રહણનું કામ પુરું થયું છે, જે સૌથી મોટી ઉપલબ્ધિ છે.

મુંબઈથી અમદાવાદ વચ્ચેના 512 કિલોમીટરના કોરિડોરમાં જમીન અધિગ્રહણ માટેના તમામ અવરોધોને પાર કરવામાં મોટી સફળતા મળી ગઈ છે. આ મુદ્દે એનએચએસઆરસીએલ (નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ)એ સોમવારે જણાવ્યું હતું કે જમીન અધિગ્રહણના તમામ અવરોધો પાર પાડીને 100 ટકા કામ પાર પાડવામાં આવ્યું છે. એનએચએસઆરસીએલે કહ્યું હતું કે પ્રોજેક્ટ માટે તમામ કોન્ટ્રાક્ટ ગુજરાત અને મહારાષ્ટ્રને આપવામાં આવ્યા હતા, જ્યારે 120.4 કિલોમીટરના કોરિડોરમાં ગર્ડર લોન્ચ કરવામાં આવ્યા છે, જ્યારે 271 કિલોમીટર સુધીમાં પિલર તૈયાર કરવામાં આવ્યા છે.

NHSRCLએ જણાવ્યું છે કે ગુજરાતના વલસાડ જિલ્લાના જરોલી ગામ નજીક 350 મીટર લાંબી અને 12.6 મીટર વ્યાસની પ્રથમ માઉન્ટ ટનલ માત્ર 10 મહિનામાં પૂર્ણ કરીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી. ઉપરાંત, સુરતમાં NH 53 પર 70 મીટર લાંબો અને 673 મેટ્રિક ટન વજન ધરાવતો પ્રથમ સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આવા 28માંથી 16 બ્રિજ બાંધકામના વિવિધ તબક્કામાં છે. ગુજરાતમાં સુરત જિલ્લામાં નેશનલ હાઈવે પરની સૌથી પહેલો સ્ટીલનો બ્રિજ છે.

એમએચઆરીસી કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે જાપાની શિંકાનસીનમાં ઉપયોગ કરવામાં આવેલા રિઈન્ફોર્સ્ડ કોન્ક્રીટ (આરસી) ટ્રેક બિછાવવાનું કામકાજ સુરત અને આણંદમાં શરુ કર્યું છે. આ કામ ભારતમાં પહેલી વખત કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં 7 કિલોમીટર લાંબી અંડરસી રેલ ટનલ, મહારાષ્ટ્રમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) અને શિલફાટાની વચ્ચે 21 કિમી લાંબી ટનલ માટે કામ શરૂ થઈ ગયું છે.

મુંબઈ એચએસઆરના એક ભાગ અને બાંધકામ માટે ખોદકામનું કામ શરૂ થઈ ગયું છે. સ્ટેશન અંગે એજન્સીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, આણંદ, વડોદરા, અમદાવાદ અને સાબરમતી ખાતેના HSR સ્ટેશનો બાંધકામના વિવિધ તબક્કામાં છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત, 28માંથી 16 પુલના નિર્માણનું કામ વિભિન્ન તબક્કામાં પાર પાડવામાં આવી રહ્યું છે. બુલેટ ટ્રેનના કોરિડોરમાં 24માંથી છ નદી પર પુલનું નિર્માણ કામ પૂરું કર્યું છે, જેમાં પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મિંઘોલા (નવસારી), અંબિકા (નવસારી), ઔરંગા (વલસાડ જિલ્લો) અને વેંગનિયા (નવસારી)નો સમાવેશ થાય છે. નર્મદા, તપ્તિ, માહી અને સાબરમતી નદી પર કામ ચાલી રહ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ 2022 સુધી પૂરો થવાની અપેક્ષા હતી, પરંતુ જમીન અધિગ્રહણને લઈ અનેક સમસ્યા ઊભી થઈ હતી. કેન્દ્ર સરકારે 2026 સુધી દક્ષિણ ગુજરાતના સુરત અને બિલિમોરાની વચ્ચે બુલેટ ટ્રેનના પહેલા તબક્કાને શરુ કરવાની અપેક્ષા હતી.