સ્વદેશી ગાઇડેડ મિસાઇલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ
નવી દિલ્હી: ભારતીય નૌકાદળની નવીનતમ સ્વદેશી ગાઇડેડ મિસાઇલ બ્રહ્મોસે પ્રથમ ટેસ્ટ ફાયરિંગમાં દરિયામાં અચૂક લક્ષ્યવેધ સાધ્યું હતું.
આ નોંધપાત્ર સિદ્ધિ ગણાય એવું સફળ પરીક્ષણ યુદ્ધ જહાજ આઈએનએસ ઇમ્ફાલના કમિશનિંગ પહેલાં વિસ્તૃત-રેન્જની બ્રહ્મોસ મિસાઈલનું પ્રથમ પરીક્ષણ હતું.
ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર ઈમ્ફાલને આ વર્ષના અંત સુધીમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. ઇમ્ફાલને મઝગાંવ ડોકયાર્ડમાં બનાવવામાં આવ્યું છે.
આ યુદ્ધ જહાજ ૭,૪૦૦ ટનનું છે. એ ૫૩૫ ફૂટ લાંબું છે. આ ડીઝલ-ઈલેક્ટ્રિક યુદ્ધ જહાજ છે. એની મહત્તમ ઝડપ ૫૬ કિલોમીટર પ્રતિ કલાક છે. જો તેને ૩૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવે તો તે ૧૫ હજાર કિલોમીટરનું અંતર કાપી શકે છે. એ ૪૫ દિવસ સુધી દરિયામાં રહી શકે છે.
આ યુદ્ધ જહાજ પર ૪૮ વર્ટિકલ લોન્ચ સિસ્ટમ્સ છે. તેનો અર્થ એ છે કે તેની પાસે વિમાનો વિરોધી યુદ્ધ તરીકે ૩૨ બરાક-૮ સપાટીથી હવામાં પ્રહાર કરવાની મિસાઇલો છે. આ સિવાય ૧૬ બ્રહ્મોસ એન્ટિ-શિપ મિસાઇલોને એન્ટિ-સરફેસ વોરફેર તરીકે તૈનાત કરવામાં આવી છે. આ સિવાય ચાર ટોર્પિડો ટ્યુબ છે. બે એન્ટી સબમરીન રોકેટ લોન્ચર લગાવવામાં આવ્યા છે.
આ યુદ્ધજહાજમાં એક ઓટો મેલારા નેવલ ગન, ચાર એકે ૬૩૦ એમ સિસ્ટમ, બે રિમોટ કંટ્રોલ ગન છે. આ જહાજ પર બે ધ્રુવ અથવા સીકિંગ હેલિકોપ્ટર તૈનાત કરી શકાય છે. આ યુદ્ધ જહાજ પર પચાસ નેવલ ઓફિસર અને અઢીસો નાવિક તૈનાત કરી શકાય છે.