Sandeshkhali: સુભેન્દુ અધિકારી અને વૃંદા કરાતને સંદેશખાલી જતા અટકાવવામાં આવ્યા, સીએમના રાજીનામાની માંગ

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં TMCનેતાની ગુંડાગર્દી અને મહિલાઓ સામે કથિત હિંસાની બબાતે રાજ્યમાં વિરોધ વધી રહ્યો છે. પીડિતોને મળવા માગતા ભાજપના સુભેન્દુ અધિકારીને પોલીસે અટકાવ્યા છે. CPI નેતા વૃંદા કરાતને પણ સંદેશખાલી જતા અટકાવવામાં આવ્યા છે. કોલકાતા હાઈકોર્ટની પરવાનગી મળ્યા બાદ, શુભેન્દુ અધિકારી સંદેશખાલી જઈ રહ્યા હતા, પરંતુ ત્યાં પહેલાથી જ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
કલકત્તા હાઈકોર્ટે શુભેન્દુ અધિકારીને શરતોની આધીન સંદેશખાલી જવાની મંજૂરી આપી છે. આ દરમિયાન તેઓ પીડિતોને પણ મળશે. કોર્ટે સુભેન્દુ અધિકારીને તેમની યાત્રાના રૂટ વિશે પ્રશાસનને જાણ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમને ઉશ્કેરણીજનક ભાષણ ન આપવા પણ સૂચના આપવામાં આવી છે. કોર્ટે પ્રશાસનને તેમને સુરક્ષા આપવાનો આદેશ પણ આપ્યો છે. શુભેન્દુ અધિકારીએ કહ્યું હતું કે મારે ત્યાં જઈને સ્થાનિક લોકો સાથે વાત કરવી છે. હું ત્યાંના લોકો સાથે ઉભો રહેવા માંગુ છું.
ઉલ્લેખનીય છે કે, સોમવારે રાત્રે સંદેશખાલી અંગે કવરેજ કરી રહેલા એક બંગાળી ન્યૂઝ ચેનલના પત્રકારની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે સ્થાનિક મહિલા દ્વારા તેના ઘરમાં ઘૂસણખોરી કરવા અંગેની ફરિયાદ મળ્યા બાદ પત્રકારની ધરપકડ કરવામાં આવી હતી. કોલકાતા પ્રેસ ક્લબે ધરપકડની નિંદા કરી છે.
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ના અધ્યક્ષ રેખા શર્માએ સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના રાજીનામાની અને સંદેશખાલીમાં અશાંતિને પગલે રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી હતી.
સંદેશખાલીમાં મોટી સંખ્યામાં મહિલાઓએ તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શાહજહાં શેખ અને તેમના સમર્થકો પર બળજબરીથી જમીન હડપ કરવાનો અને જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.