નેશનલ

‘2038 પહેલા ખોલશો નહીં…’, અતુલ સુભાષે તેના ચાર વર્ષના પુત્ર માટે ગીફ્ટ છોડી

ઉત્તર પ્રદેશના સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાનો મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાઇ રહ્યો છે. અતુલની વાત સાંભળીને દરેક લોકોના દિલ કકળી ઉઠ્યા છે અને લોકો તેની માટે ન્યાયની માગણી કરી રહ્યા છે. લોકો તેની પત્ની નિકિતા સિંઘાનિયા પર ફિટકાર વરસાવી રહ્યા છે. આ દરમિયાન એક ભાવનાત્મક વાત સામે આવી છે. અતુલ સુભાષે પોતાનો જીવ લેતા પહેલા પોતાના 4 વર્ષના પુત્ર માટે ભેટ અને એક પત્ર છોડ્યો છે.

અતુલે આત્મહત્યા કરતા પહેલા 24 પાનાની એક નોટ છોડી હતી. આ પત્રના દરેક પાના પર અતુલનું દર્દ છલકી રહ્યું છે. અતુલે તેના ચાર વર્ષના પુત્ર માટે પણ એક ખાસ ભેટ અને પત્ર છોડ્યો છે. જોકે, તેણે આ પત્ર 2038 સુધી નહીં ખોલવા જણાવ્યું છે.

બેંગલુરુમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા અતુલે એના પત્રમાં ચોંકાવનારો દાવો કર્યો છે અને કહ્યું છે કે એની પત્નીએ એમના પુત્રને દૂર રાખ્યો અને તે ક્યારેય તેના પુત્ર વ્યોમને મળી નહીં શક્યો. અતુલ સુભાષે 24 પાનાની સુસાઈડ નોટમાં લગ્ન પછી ચાલી રહેલા તણાવ અને તેની અને તેની પત્ની, તેના સંબંધીઓ દ્વારા નોંધાયેલા અનેક કેસનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના એક જજનું ત્રાસનું વિગતવાર વર્ણન પણ કર્યું છે. પોલીસે જણાવ્યું હતું કે સુભાષનો મૃતદેહ મંજુનાથ લેઆઉટ વિસ્તારમાં તેમના ઘરે લટકતો મળી આવ્યો હતો. તેના રૂમમાં એક પ્લેકાર્ડ પણ લટકતું જોવા મળ્યું હતું જેમાં લખેલું હતું કે “ન્યાય હજી મળવાનો બાકી છે”.

આત્મહત્યા કરતા પહેલા અતુલ સુભાષે દોઢ કલાકનો વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે તે તમામ સંજોગોનો ઉલ્લેખ કર્યો હતો જેના કારણે તેને આ પગલું ભરવાની ફરજ પડી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સુભાષ કહેતા જોવા મળે છે, “મને લાગે છે કે મારે આત્મહત્યા કરવી જોઈએ કારણ કે હું જે પૈસા કમાઈ રહ્યો છું તેનાથી મારા દુશ્મનો વધુ મજબૂત થઈ રહ્યા છે. આ પૈસા મને બરબાદ કરવા માટે વાપરવામાં આવી રહ્યા છે અને આ ચક્ર આમ જ ચાલતું રહેશે. હું જે પૈસા પત્નીને આપી રહ્યો છું અને ટેક્સ ભરું છું, એ જ પૈસાથી આ કોર્ટ અને પોલીસ તંત્ર મને, મારા પરિવારને અને અન્ય સજ્જનોને હેરાન કરી રહ્યું છે.

આ પણ વાંચો :Atul Subhash case: એન્જિનિયર અતુલની પત્ની સામે FIR, પિતાએ દીકરાને ન્યાય અપાવવા પીએમ મોદીને કરી આજીજી; Video Viral

સુભાષે તેની સુસાઈડ નોટમાં વિનંતી કરી હતી કે તેના બાળકનો ઉછેર તેના માતા-પિતાને સોંપવામાં આવે. સુભાષે સુસાઈડ નોટમાં જણાવ્યું કે તેણે 2019માં લગ્ન કર્યા હતા અને બીજા વર્ષે એક પુત્રનો જન્મ થયો હતો.

સુસાઈડ નોટમાં તેણે આરોપ લગાવ્યો છે કે તેની પત્નીના પરિવારના સભ્યો તેને (સુભાષ)ને પૈસા માટે વારંવાર હેરાન કરતા હતા અને લાખો રૂપિયાની માંગણી કરતા હતા અને જ્યારે તેણે પૈસા આપવાનો ઈન્કાર કર્યો ત્યારે તેની પત્ની કથિત રીતે 2021માં પુત્ર સાથે ઘર છોડીને ચાલી ગઈ હતી. .

“મારી પત્ની મારા બાળકને દૂર રાખશે અને મને, મારા વૃદ્ધ માતા-પિતા અને મારા ભાઈને હેરાન કરવા માટે અમારી પર વધુ કેસ દાખલ કરશે. હું મારી પત્નીને ભરણપોષણ માટે જે પૈસા આપું છું, તેનો ઉપયોગ અમારા બાળકના કલ્યાણને બદલે મારી અને મારા પરિવાર સામે હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button