ઓડિશામાં સુભદ્રા યોજના શરૂ કરાશે
ભુવનેશ્ર્વર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે 17 સપ્ટેમ્બરે ઓડિશામાં સુભદ્રા યોજના શરૂ કરવામાં આવે એવી આશા રાખવામાં આવી રહી છે. ભાજપ સરકાર દ્વારા રાજ્યની મહિલાઓ માટે આ મહત્ત્વાકાંક્ષી યોજના ઘડી કાઢવામાં આવી હોવાની માહિતી કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આપી હતી.
પુરીના જગન્નાથ મંદિરની મુલાકાત લીધા બાદ તેમણે કહ્યું હતું કે ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માંઝી અને બે નાયબ મુખ્ય પ્રધાનોએ વડા પ્રધાનને સુભદ્રા યોજનાને શરૂ કરવા માટે વડા પ્રધાનને 17 સપ્ટેમ્બરે આમંત્રણ આપ્યું છે અને વડા પ્રધાને પોતાની સહમતી દર્શાવી છે.
તેમણે કહ્યું હતું કે ચૂંટણી વખતે ભાજપે દરેક મહિલાને રૂ. 50,000 આપવાનું વચન આપ્યું હતું અને ઓડિશાના લોકોએ અમારામાં વિશ્ર્વાસ મુક્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે મોહન માંઝીના નેતૃત્વ હેઠળની સરકારે આ યોજનાને અમલમાં મૂકવા માટે એસઓપીની જાહેરાત કરી છે.
21થી 60 વર્ષની વચ્ચેની ગરીબી રેખાથી નીચે આવતી એક કરોડથી વધુ મહિલાઓ આ યોજના માટે પાત્ર છે અને તેમને દર વર્ષે રૂ. 10,000 પાંચ વર્ષ સુધી આપવામાં આવશે..