સ્ટડી વિઝા પર કેનેડા ગયેલા વિદ્યાર્થીઓની ચિંતા વધી
'હવે ભારત આવવું મુશ્કેલ લાગે છે…'
કેનેડાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓના વાલીઓ તેમની સુરક્ષાને લઈને ચિંતિત છે. વાસ્તવમાં, ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તિરાડને કારણે ત્યાંની સ્થિતિ ગંભીર છે. જેના કારણે ગયા અઠવાડિયે ભારત સરકારે કેનેડિયન નાગરિકોના ભારતમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. દરમિયાન કેનેડા ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓના વાલીઓ આ ટેન્શનથી ચિંતિત છે.
પંજાબમાંથી વિદ્યાભ્યાસ માટે વિદેશ જતા લોકોની પહેલી પસંદ કેનેડા છે. અભ્યાસ બાદ તેઓ ત્યાં જ સેટલ થઇ જાય છે.
તેમને આસાનીથઈ કેનેડાની સિટિઝનશીપ પણ મળી જાય છે. આ કારણે કેનેડામાં ઘણા શીખ અને પંજાબી લોકો વસ્યા છે.
આવી જ રીતે ફિરોઝપુરના નૂરપુર સેથાણ ગામના મોટાભાગના યુવાનો કેનેડા ગયા છે અને ભણીગણીને કેનેડાની સિટિઝનશીપ લઇને ત્યાં સેટલ થઇ ગયા છે. જોકે, હાલમાં બંને દેશોના તંગ સંબંધો વચ્ચે આ યુવાનોનું ભારત આવવું મુશ્કેલ થઇ ગયું છે જેને કારણે ભારતમાં રહેતા તેમના પરિવારજનો પણ ચિંતિત છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલ ટ્રાવેલ એડવાઈઝરી બાદ માતાપિતાએ કેન્દ્ર સરકારને તેમના બાળકોની સુરક્ષા માટે અપીલ કરી છે. જોકે, તેમને ભરોસો છે કે ભારત સરકાર કેનેડામાં રહેતા તેમના બાળકોને કંઇ થવા નહીં દે.
આ દરમિયાન કેનેડામાં રહેતા એક શીખે જણાવ્યું હતું કે વાલીઓને તેમના બાળકોની ચિંતા થવી સ્વાભાવિક છે. કેનેડાની સરકારે એવા કોઈ નક્કર પગલાં ન લેવા જોઈએ જેનાથી બંને દેશો વચ્ચેનું અંતર વધે. પંજાબીઓ કેનેડામાં સ્થાયી થયા છે અને ત્યાં બિઝનેસ પણ કરી રહ્યા છે. કેનેડાની પ્રગતિમાં પંજાબીઓનો મહત્વનો ફાળો છે.