કોટાના માર્ગે સીકર? NEETની તૈયારી કરવા આવેલા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
રાજસ્થાનના સીકરમાં એક જ દિવસે બે અલગ-અલગ વિદ્યાર્થીઓની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. બંને વિદ્યાર્થીઓએ સીકર, ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આત્મહત્યા કરી હતી. 16 વર્ષીય વિદ્યાર્થી 29 જૂને સીકર આવ્યો હતો, જ્યારે 17 વર્ષનો વિદ્યાર્થી 26 જૂને NEETની તૈયારી માટે સીકર આવ્યો હતો.
આત્મહત્યા કરનારા બે વિદ્યાર્થીઓમાં એકનું નામ કરૌલીના નાના ગામમાં રહેતા શૈલેષ સૈની છે. શૈલેષ અભ્યાસમાં સારો હતો. તેણે એક દિવસ પહેલા જ અહીં એડમિશન લીધું હતું. તે NEET અથવા એન્જિનિયરિંગની તૈયારી કરી શકે તે માટે તેના પિતાએ તેને અહીં એડમિશન અપાવ્યું હતું. એડમિશન લીધાના બીજા જ દિવસે તેણે આત્મહત્યા કરી લીધી હતી.
આત્મહત્યાનો બીજો કિસ્સો વિશાલ યાદવનો છે, જે NEET ફાઉન્ડેશન કોર્સની તૈયારી કરવા જયપુરના હિંગોનિયાથી સીકર આવ્યો હતો. તે સીકરમાં તેના નાના ભાઈ સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. વિશાલે સોમવારે સવારે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. 1 જુલાઇના રોજ સવારે વિશાલ યાદવે તેના નાના ભાઈને રૂમમાં સૂઈ જવાનું કહી અંદર જઈને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બંને વિદ્યાર્થી પાસેથી કોઈપણ પ્રકારની કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. એવું માનવામાં આવે છે કે બંને મૃતક વિદ્યાર્થીઓને અહીં પસંદ ન હતું, જેના કારણે બંને વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશને બંને મૃતકોના મૃતદેહને એસકે હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે, જ્યાં પરિવારના સભ્યો આવ્યા બાદ જ બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. હાલ પોલીસ બંને કેસની તપાસમાં વ્યસ્ત છે.
છેલ્લા કેટલાક વર્ષમાં કોટાની જેમ સીકરે પણ કોચિંગ વ્યવસાયમાં નામ બનાવવાનું શરૂ કર્યું છે. NEET અને IITની તૈયારી કરાવતી અનેક સંસ્થાઓએ અહીં કોચિંગ ક્લાસ ખોલ્યા છે. NEET અને IIT કે મેડિકલના અભ્યાસની તૈયારી કરતી વખતે વિદ્યાર્થીઓને ઘણું પ્રેશર હોય છે, ઉપરાંત તેમણે પરિવારની આશા અરમાનો પર પણ ખરા ઉતરવાનું હોય છે. બધા વિદ્યાર્થીઓ આવા દબાણ સહી નથી શકતા અને તેઓ આત્મહત્યાનો માર્ગ અપનાવી લે છે.