ટ્યુશન ગયેલી વિદ્યાર્થીનીની 20 દિવસ પછી ટુકડામાં લાશ મળી, શિક્ષકે જ વિદ્યાર્થિનીની હત્યા કરી

કોલકાતા: પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીંના રામપુરહાટ વિસ્તારમાં એક શાળાની વિદ્યાર્થિની છેલ્લા 20 દિવસથી ગુમ હતી, જેની સડેલી લાશ ટુકડાઓમાં મળી આવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને શોકની લાગણી ફેલાવી દીધી છે.
મળતી વિગતો અનુસાર, પશ્ચિમ બંગાળના રામપુરહાટના શ્યામપહાડીમાં આવેલી શાળામાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિની 28 ઓગસ્ટના રોજ ટ્યુશન જવા માટે ઘરેથી નીકળી હતી, પરંતુ પછી ક્યારેય પાછી ન આવી. તેના ગુમ થવા પર પરિવારે રામપુરહાટ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. તપાસ દરમિયાન, પરિવારને જાણ થઈ કે શાળાના શિક્ષક મનોજ કુમાર પાલે જ તેનું અપહરણ કર્યું હતું. આ માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી હતી.
મંગળવારે વહેલી સવારે, રામપુરહાટ પોલીસને કાલિડાંગા નામના ગામ પાસેના પાણી ભરાયેલા વિસ્તારમાંથી વિદ્યાર્થિનીનો સડેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહના ટુકડા કરવામાં આવ્યા હતા અને તેને પાણીમાં ફેંકી દેવામાં આવ્યો હતો, જેના કારણે શરીરના અંગો સડી ગયા હતા. હાલમાં આ મામલે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે મૃતદેહની ખરાબ સ્થિતિને કારણે દુષ્કર્મ થયું હતું કે કેમ તે અંગેની તપાસ કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે.
પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે શિક્ષકે આ હત્યા શા માટે કરી અને શું તેણે વિદ્યાર્થિની સાથે શારીરિક દુર્વ્યવહાર કર્યો હતો. આરોપી શિક્ષકને કોર્ટે 9 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે, જ્યાં તેની સઘન પૂછપરછ ચાલી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં શિક્ષક-વિદ્યાર્થીના પવિત્ર સંબંધ પર સવાલો ઊભા કર્યા છે અને સુરક્ષાને લઈને ચિંતા વધારી છે.