
નવી દિલ્હી : અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાદ એવિએશન ઉદ્યોગના પડકારો અને ચિંતામાં વધારો થયો છે. જેમાં સોમવારે દિલ્હીથી મુંબઈ જઈ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટમાં વિચિત્ર ઘટના બની હતી. જેમાં વિમાનમાં સવાર બે મુસાફરોએ જબરજ્સ્તી કોકપીટમાં જવાનો પ્રયાસ કર્યો હતો. આ વિમાન મુંબઈ જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. સ્પાઈસજેટે જણાવ્યું કે આ સ્થિતિમાં વિમાનને ફરી બે પર લાવવામાં આવ્યું હતું. તેમજ બંને મુસાફરોને દિલ્હી એરપોર્ટ ઉતારીને સુરક્ષા દળોને સોંપી દેવામાં આવ્યા હતા.
ફ્લાઈટ મોડી સાંજે રવાના થઈ
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ 14 જુલાઈના રોજ દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં બે મુસાફરોએ વિમાનના કોકપીટમાં જબરજ્સ્તી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જે સીધી રીતે વિમાનના ઓપરેશનને અડચણ ઉભી કરી શકે તેમ હતું. જેના લીધે બે મુસાફરોને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. તેમજ વિમાનના ઉડ્ડયન પર નજર રાખનારી વેબસાઈટ અનુસાર આ ઘટના લીધે ફલાઈટ નંબર 9282 જે બપોરે 12 વાગે રવાના થવાની હતી તે સાંજે 7 અને 21 વાગે રવાના થઈ હતી.
ડીજીસીઆઈએ નિર્દેશ આપ્યો
ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશના તપાસ અહેવાલ બાદ ભારતમાં સેવા આપતી તમામ એરલાઇન્સને તેમના બોઇંગ 787 કાફલામાં ફ્યુઅલ સ્વિચનું નિરીક્ષણ કરવું પડશે. ડીજીસીએ આ નિર્દેશ આપ્યો છે. આ તપાસ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માટે પણ ડીજીસીઆઈએ નિર્દેશ આપ્યો છે.