અકોલા જિલ્લામાં ગણેશ વિસર્જન સરઘસ પર પથ્થરમારો, 68ની અટક
નાગપુરઃ મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના અકોટ શહેરમાં બુધવારે ગણપતિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન થોડા સમય માટે તંગદિલી સર્જાઈ હતી. કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ ગણેશ વિસર્જનની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો, જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ સહિત અન્ય લોકો ઘાયલ થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
પથ્થરમારાની આ ઘટના શહેરના નંદીપેઠ વિસ્તારમાં સાંજે 4 વાગ્યે બની હતી, જેના કારણે પોલીસને પરિસ્થિતિને કાબૂમાં લેવાની અને જરૂર પડે તો વધારાની કુમક બોલાવવાની સૂચના પણ આપવામાં આવી હતી.
સાંજે ચાર વાગ્યાની આસપાસ ઘટનાને જાણ થતાં જ શહેરમાં અફવાઓ ફેલાશે અને તંગદિલી સર્જાશે તેવી ભીતિથી વેપારીઓએ તાત્કાલિક બજાર બંધ કરી દીધું હતું જેના કારણે ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો.
પોલીસે સરઘસ પર પથ્થર ફેંકવા બદલ 68 લોકોની અટકાયત કરી હતી અને કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે, એમ સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર અનમોલ મિત્તલે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે પથ્થરમારામાં ઘાયલ થયેલા બે લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ અકોલાની ગ્રામીણ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જ્યારે અન્ય જે લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી તેમને સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. ઘાયલોના નામ જાણી શકાયા નથી. પોલીસે પથ્થરમારાની શંકામાં કેટલાક લોકોને ધરપકડ કરવાનું શરૂ કર્યું છે. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.