
દેશનો સર્વિસ પીએમઆઇ લગભગ ૧૪ વર્ષની ઊંચી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શૅરબજારે નવી વિક્રમી ઊંચી સપાટી નોંધાવી છે. અર્થતંત્રના વિકાસના સારા સંકેત સાથે મજબૂત કોર્પોરેટ પ્રદર્શનની અપેક્ષાઓ સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્કે ગુરુવારના સત્રમાં નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ સ્થાન મેળવ્યું છે. રોકાણકારોની નજર રિઝર્વ બેન્કની બેઠક પર છે, પરંતુ ફુગાવાની સ્થિતિ જોતાં વ્યાજદરમાં ફેરફાર થવાની આશા નથી.
સેન્સેક્સ ૩૫૦.૮૧ પોઈન્ટ અથવા ૦.૪૭ ટકા વધીને ગુરુવારે ૭૪,૨૨૭.૬૩ પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી પણ ૮૦ પોઈન્ટ અથવા ૦.૩૬ ટકા વધીને ૨૨,૫૧૪.૬૫ પોઇન્ટની નવી વિક્રમી ટોચે પહોંચ્યો હતો.
સેન્સેક્સ અગાઉ સાતમી માર્ચે ૭૪,૧૧૯.૩૯ પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો અને નિફ્ટીએ ૨૨,૪૯૩.૫૫ પોઇન્ટની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી.
આ સત્રમાં ખાસ કરીને આઇટી, ક્ધઝયુમર ડ્યુરેબલ્સ, ફાઇનાન્શિયલ અને બેન્કિંગ સેકટરના શૅરોમાં જોરદાર લેવાલી જોવા મળી હતી. આ સત્રમાં પણ સ્મોલ કેપ શેરોમાં તેજીનો સળવળાટ યથાવત્ રહ્યો હતો.
એ જ સાથે, દેશનો સર્વિસ પીએમઆઇ લગભગ ૧૪ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. માર્ચમાં વેચાણ અને બિઝનેસ એક્ટિવિટીમાં વધારો થવાને કારણે દેશના સેવા ક્ષેત્રની કામગીરીમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો છે. એચએસબીસી ઇન્ડિયા સર્વિસિસ બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ૬૦.૬ના સ્તરે હતો તે માર્ચમાં ૬૧.૨ની સપાટીએ પહોંચ્યો છે. આ ઉપરાંત, રોકાણકારોએ આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીના વ્યાજ દરના નિર્ણયમાં યથાસ્થિતિની અપેક્ષા રાખતા પસંદગીના બેન્કિંગ શેરોમાં પણ સારી લેવાલી અને સુધારો જોવા મળ્યો હતો. આરબીઆઇની છ સભ્યોની રેટ સેટિંગ પેનલે બુધવારે બેઠક શરૂ કરી દીધી છે અને શુક્રવારે નિર્ણય જાહેર કરશે.
સેન્સેક્સના શેરોમાં એચડીએફસી બૅન્ક, ટાઇટન, ટેક મહિન્દ્રા અને એશિયન પેઈન્ટ્સ મુખ્ય ગેનર્સમાં સામેલ હતા. ટીસીએસ, મારૂતિ, કોટક મહિન્દ્રા બૅન્ક અને બજાજ ફિનસર્વ અન્ય શેરોમાં વધારો થયો હતો. આનાથી વિપરીત એસબીઆઇ, ભારતી એરટેલ, જેએસડબલ્યુ સ્ટીલ, પાવરગ્રીડ, આઇટીસી અને રિલાયન્સ નેગેટીવ ઝોનમાં ગબડ્યા હતા.