સેન્સેક્સ ૧૨૦૦ પોઇન્ટના ઉછાળા સાથે ૭૪,૦૦૦ વટાવી પાછો ફર્યો, માર્કેટ કૅપમાં ₹ ૧૨૭.૭૭ લાખ કરોડનો ઉમેરો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના સકારાત્મક સંકેત સાથે સ્થાનિક સ્તરે સાર્વત્રિક લાવલાવનો માહોલ જામતા, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના છેલ્લા સત્રમાં શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી.
બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા છે. મિડકેપ શેરમાં પણ લેવાલી જોવા મળી છે. પાવર, મેટલ ઓટો અને ફાર્મા શેરોમાં સારી લેવાલી અને આગેકૂચ જોવા મળી છે. આ ઉછાળા સાથે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૨૮.૭૭ લાખ કરોડનો ઉમેરો થયો છે.
સત્રને અંતે ત્રીસ શેરવાળો સેન્સેક્સ ૬૫૫.૦૪ પોઈન્ટ્સ અથવા ૦.૯૦ ટકા વધીને ૭૩,૬૫૧.૩૫ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો છે અને નિફ્ટી ઇન્ડેક્સ ૨૦૩.૨૦ પોઈન્ટ્સ અથવા ૦.૯૨ ટકા વધીને ૨૨,૩૨૬.૯૦ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે.
સત્ર દરમિયાન એક તબક્કે સેન્સેક્સ લગભગ ૧૨૦૦ પોઈન્ટ ઉછળીને ૭૪,૧૯૦ પોઈન્ટની સપાટીએ પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટીમાં પણ ૪૦૦ પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાવતો ૨૨,૫૧૬ પોઈન્ટ્સ પર પહોંચી ગયો હતો.
આ ઉછાળા વચ્ચે બીએસઇ પર તમામ લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. ૪.૭૮ લાખ કરોડ વધીને રૂ. ૩૮૮.૪ લાખ કરોડના સ્તરે પહોંચ્યું હતું જે અંતે રૂ. ૩૮૬.૯૩ લાખ કરોડની સપાટીએ પહોંચ્યું હતું. આ રીતે રૂ. ૧૨૮.૭૭ લાખ કરોડનો ઉમેરો થયો હતો. સાપ્તાહિક ધોરણે બીએસઇ બેન્ચમાર્ક ૮૧૯.૪૧ પોઇન્ટ અથવા તો ૧.૧૨ ટકા ઊછળ્યો છે, જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક ૨૩૦.૧૫ પોઇન્ટ અથવા તો ૧.૦૪ ટકા વધ્યો છે. એ બાબત નોંધવી રહી કે, ૨૦૨૩-૨૪ નાણાકીય વર્ષમાં, સેન્સેક્સ ૧૪,૬૫૯.૮૩ પોઈન્ટ અથવા ૨૪.૮૫ ટકા ઉછળ્યો હતો અને નિફ્ટી ૪,૯૬૭.૧૫ પોઈન્ટ અથવા ૨૮.૬૧ ટકા ઉછળ્યો હતો.
બજારના સાધનો અનુસાર હાલ બજારને અટકાવી શકે એવી મંદીના કોઇ સંકેત જણાતાં નથી. બજારમાં ભરપૂર પ્રવાહિતા છે અને તેને આધારે જ બજાર આગળ વધી રહ્યું છે. આ નાણાકીય વર્ષના અંતિમ સત્રમાં જ જોઇએ તો તેમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો, વિદેશી ફંડો અને રીટેલ ઇન્વેસ્ટર્સ, એમ તમામ વર્ગની અને સાર્વત્રિક લેવાલી જોવા મળી છે.
ટીપ્લસઝીરો ટ્રેડ સેટલમેન્ટ શરૂ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજાર નિયામક સેબીએ ટ્રેડિંગ સેટલમેન્ટને લઇ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સેબીએ શેરબજારમાં ૨૮ માર્ચથી ઓપ્શનલ ટી+૦ ટ્રેડ સેટલમેન્ટ સિસ્ટમ કરવાની જાહેરાત કરી છે અને એ માટે પ્રાથમિકત ધોરણે ૨૫ શેરની પસંદગી કરવામાં આવી છે.
શેરબજાર નિયામક સેબીએ માર્ચ મહિનાની શરૂઆતમાં ઓપ્શનલ ટીપ્લસઝીરો સેટલમેન્ટ સિસ્ટમ શરૂ કરવાની ઘોષણા કરી હતી. જે અંતર્ગત બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) દ્વારા ૨૮ માર્ચથી આ પદ્ધતિ અંતર્ગત ટ્રેડિંગ માટે ૨૫ શેરની યાદી જાહેર કરી હતી.
આ શેરોમાં અંબુજા સિમેન્ટ, અશોક લેલેન્ડ, બજાજા ઓટો, બૅન્ક ઓફ બરોડા, બીપીસીએલ, બિરલાસોફ્ટ લિમિટેડ, સિપ્લા લિમિટેડ, કોફોર્જ લિમિટેડ, ડિવિસ લેબોરેટરીઝ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન હોટેલ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, એલટીઆઈમાઈન્ડટ્રી લિમિટેડ, એમઆરએફ લિમિટેડ, નેસ્લે ઈન્ડિયા, એનએમડીસી લિમિટેડ, ઓએનજીસી, પેટ્રોનેટ એલએનજી, સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલ, સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા, ટાટા કોમ્યુનિકેશન્સ, ટ્રેન્ટ લિમિટેડ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને વેદાંત લિમિટેડનો સમાવેશ છે.
સેબી ભારતીય શેરબજારમાં ટ્રેડ સેટલમેન્ટની સાઇકલના દિવસ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. હાલ ભારતીય શેરબજારમાં ટીપ્લસવન સેટલમેન્ટ સિસ્ટમ અમલમાં છે, એટલે કે શેર વેચ્યાના એક દિવસ બાદ તેનું પેમેન્ટ શેર વેચનારના એકાઉન્ટમાં જમા થાય છે. તેવી જ રીતે શેર ખરીદ્યાના એક દિવસ બાદ કસ્ટમરના પોર્ટફોલિયોમાં શેર દેખાય છે.
ટીપ્લસઝીરો સેટલમેન્ટ સિસ્ટમ એટલે કે શેરના ખરીદ અને વેચાણનું સેટલમેન્ટ એક જ દિવસમાં થશે. આ રીતે ભારત ટીપ્લસઝીરો સેટલમેન્ટ સિસ્ટમ લાગુ કરનાર બીજો દેશ બનશે. સેબીએ પાછલા વર્ષે ડિસેમ્બરમાં જણાવ્યુ હતુ કે, ટીપ્લસઝીરો સેટલમેન્ટ સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવાની યોજના છે. પ્રથમ તબક્કામાં શેર ટ્રેડિંગ દરમિયાન બપોર ૧.૩૦ વાગે સુધી થયેલા ટ્રેડ માટે ટીપ્લસઝીરો સાઇકલને લાગુ કરવામાં આવશે. ત્યારબાદ ફંડ્સ અને સિક્યોરિટીઝનું સેટલમેન્ટ સાંજે ૪.૩૦ વાગ્યા સુધી પૂર્ણ થઇ જશે.
બીજા તબક્કામાં ફંડ અને સિક્યોરિટીઝ બંને માટે ઓપ્શનલ ઇન્સ્ટન્ટ સેટલમેન્ટ લાગુ થશે. તેમાં ટ્રેડિંગ ૩.૩૦ વાગે સુધી થશે. બીજ તબક્કાની ઓપ્શનલ ઇન્સ્ટન્ટ સેટલમેન્ટ સિસ્ટમ લાગુ થયા બાદ પ્રથમ તબક્કાની ઓપ્શનલ ટીપ્લસઝીરો સિસ્ટમ બંધ થઇ જશે.