Stock Market: ગુજરાતીઓ મોટા પ્રમાણમાં શેરબજારમાં રોકાણ (Stock Market Investment) કરતાં થયા છે. પોસ્ટ ઓફિસ (Post Office), બેંક ડિપોઝિટ (Bank Deposit) કે અન્ય સ્કીમમાં રોકાણ કરવાથી મળતાં વળતરના તુલનામાં શેરબજારમાં વધુ વળતર મળતું હોવાથી શેરબજારમાં રોકાણ કરનારા ગુજરાતીઓની સંખ્યા ઉત્તરોતર વધી રહી છે. પ્રથમ વખત, ગુજરાતે સપ્ટેમ્બરમાં દેશમાં સૌથી વધુ સંખ્યામાં નવા રોકાણકારો ઉમેર્યા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) મુજબ, ગુજરાતમાં રેકોર્ડબ્રેક 3.02 લાખ નવા રોકાણકારો ઉમેરાયા છે, જે ઓગસ્ટની સરખામણીમાં 135% નો વધારો દર્શાવે છે.
સપ્ટેમ્બર 2024માં ગુજરાતમાં 3 લાખ નવા રોકાણકારો ઉમેરાયા
પ્રથમ વખત ગુજરાતે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રને પાછળ રાખી ટોચના સ્થાનનો દાવો કર્યો છે. NSE રિપોર્ટ મુજબ, ગુજરાતે સપ્ટેમ્બર 2024માં 3 લાખથી વધુ નવા રજિસ્ટ્રેશન સાથે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રને પાછળ છોડી દીધા છે. ગુજરાતે દેશના કુલ 14% હિસ્સાને કબજે કર્યો હતો. ઉત્તર પ્રદેશ 2.96 લાખ રજિસ્ટ્રેશન સાથે 13.6% હિસ્સો ધરાવે છે, જ્યારે મહારાષ્ટ્ર 2.6 લાખ રજિસ્ટ્રેશન અને 12% હિસ્સા સાથે ત્રીજા ક્રમે સરકી ગયું છે.
આ પણ વાંચો : શેરબજારમાં શુક્રવારે કર્ક રાશિના શેરોમાં કડાકા
શું કહે છે એક્સપર્ટ
એક્સપર્ટે જણાવ્યું કે, વર્ષ 2024નું કૅલેન્ડર શેરબજાર માટે વધુ એક બ્લોકબસ્ટર બની રહ્યું છે. કોર્પોરેટોએ પહેલેથી જ IPO દ્વારા રૂ. 1 લાખ કરોડ એકત્ર કર્યા છે, જેમાં ઘણી મોટી કંપનીઓ હજુ પણ પાઇપલાઇનમાં છે, કેટલાકનું લક્ષ્ય એક અબજ ડોલરથી વધુ એકત્ર કરવાનું છે. આ રોકાણકારો માટે આકર્ષક લિસ્ટિંગ લાભની તકો ઊભી કરી રહ્યું છે.
એક પછી એક મજબૂત લિસ્ટિંગ સાથે, પ્રાઇમરી માર્કેટમાં નવા રોકાણકારો ઉમેરાઈ રહ્યા છે. ગુજરાતીઓ દાયકાઓથી શેરબજારમાં ઊંડે ઊંડે સંકળાયેલા છે ત્યારે ઘણાએ હજુ રોકાણ કરવાનું શરૂ કર્યુ નથી. ઘણા લોકો IPO દ્વારા બજારમાં પ્રવેશી રહ્યા છે
રાજસ્થાનમાં પણ મહિને 32.4%નો નોંધપાત્ર વધારો થયો છે, જે 1.7 લાખ નવા રોકાણકારો સુધી પહોંચ્યો છે. 21.8 લાખ નોંધણી સાથે ભારતભરના નવા રોકાણકારો માટે સપ્ટેમ્બર તેજીનો મહિનો હતો, જે અગાઉના મહિનાના 19.6 લાખથી 11.6% વધુ છે.
આ પણ વાંચો : આજે શેરબજારની ફ્લેટ શરૂઆત, જાણો SENSEX અને NIFTYના હાલ
ગુજરાતે 91.6 લાખ રોકાણકારો ઉમેર્યા છે. રાજ્યની વસ્તીને જોતાં માત્ર એક મહિનામાં 3 લાખ નવા રોકાણકારો ઉમેરવાની ગુજરાતની સિદ્ધિથી નિષ્ણાતો પ્રભાવિત થયા છે. 7.11 કરોડ લોકો સાથે ગુજરાતે ઉત્તર પ્રદેશના 23.70 કરોડ અને મહારાષ્ટ્રના 12.7 કરોડની તુલનામાં વધુ સારો દેખાવ કર્યો છે.
રાજ્ય સપ્ટેમ્બરમાં ઉમેરાયેલા નવા રોકાણકારો
ગુજરાત 3.02 લાખ
ઉત્તરપ્રદેશ 2.96 લાખ
મહારાષ્ટ્ર 2.62 લાખ
રાજસ્થાન 1.65 લાખ
પશ્ચિમ બંગાળ 1.24 લાખ