
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં કડાકાનો જોર જડારી રહ્યો હતો અને ખૂલતા સત્રમાં જ સેન્સેક્સમાં લગભગ ૮૦૦ પોઇન્ટ અને નિફ્ટીમાં ૨૫૦ પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. એચડીએફસી બેન્કમાં સતત વેચવાલી અને કંજયુમર ડ્યુરેબલ અને યુટિલિટી શેર્સમાં પ્રોફિટ બુકિંગને કારણે બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ગુરૂવારે ત્રીજા દિવસે પણ નેગેટીવ ઝોનમાં ધકેલાયા હતા.
બીએસઈનો ૩૦ શેરવાળા મુખ્ય બેન્ચમાર્ક સેન્સેક્સ ૩૧૩.૯૦ પોઈન્ટ અથવા ૦.૪૪ ટકા ઘટીને ૭૧,૧૮૬.૮૬ પોઇન્ટ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ ૮૩૫.૨૬ પોઈન્ટ અથવા ૧.૧૬ ટકાના ઘટાડા સાથે ૭૦,૬૬૫.૫૦ સુધી નીચી સપાટીએ પટકાયો હતો.
એ જ રીતે, એનએસઇનો પચાસ શેર ધરાવતો બેન્ચમાર્ક નિફ્ટી ૧૦૯.૭૦ પોઈન્ટ અથવા ૦.૫૧ ટકા ઘટીને ૨૧,૪૬૨.૨૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. દિવસ દરમિયાન નિફ્ટી ૨૮૬.૪ પોઈન્ટ અથવા ૧.૩૨ ટકા ઘટીને ૨૧,૨૮૫.૫૫ પર પહોંચ્યો હતો.
તાજેતરની રેકોર્ડબ્રેક તેજી પાછળ બુધવારથી બજારમાં જોરદાર કડાકો નોંધાયો છે. નોંધવું રહ્યું કે, બીએસઇ બેન્ચમાર્ક મંગળવારે ૭૩,૪૨૭.૫૯ પોઇન્ટની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને નિફ્ટી પણ તે જ દિવસે ૨૨,૧૨૪.૧૫ પોઇન્ટની જીવનકાળની ટોચની સપાટીએ પહોંચ્યો હતો.
સેન્સેક્સની કંપનીઓમાં એચડીએફસી બેન્ક, એનટીપીસી, એશિયન પેઇન્ટ્સ, પાવર ગ્રીડ, ટાઇટન, ઇન્ડસઇન્ડ બેન્ક, નેસ્લે અને મારુતિ ટોપ લુઝર્સ બન્યા હતા. સન ફાર્મા,ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સિસ બેન્ક અને લાર્સન ટોપ ગેઇનર્સ રહ્યાં હતાં.