મુંબઇ: શેરબજારે અનેક આર્થિક અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ વચ્ચેથી હેમખેમ પસાર થઇને આગેકૂચ જાળવી છે. નિષ્ણાતો માને છે કે, સુધરેલા સેન્ટિમેન્ટને ધ્યાનમાં રાખીને, આ સપ્તાહમાં બજાર સંભવિત કોન્સોલિડેશન ડોઝના ઝટકા છતાં હકારાત્મક રહેવાની ધારણા છે, જેમાં યુએસ અને ભારતના ફુગાવાના આંકડા, ઇસીબીના વ્યાજ દરના નિર્ણય અને સબસ્ક્રિપ્શન માટે આવી રહેલા ડઝનેક આઇપીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
રિઝર્વ બેન્ક દ્વારા રોકડ અનામત ગુણોત્તરમાં ૫૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો, વિદેશી સંસ્થાકીય રોકાણ પ્રવાહમાં ટર્નઅરાઉન્ડ, સર્વિસ પીએમઆઇના સ્થિર ડેટા અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડા સાથે આરબીઆઈ દ્વારા ડોવિશ મોનેટરી પોલિસીને પગલે જૂન પછીના સૌથી મોટા સાપ્તાહિક ઉછાળા સાથે બજારમાં છઠી ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં બજારે મજબૂત વલણ દાખવ્યું હતું.
આ ઉપરાંત નાણાંકીય વર્ષ ૨૦૨૫ના બાકીના છ મહિનાના સમયગાળામાં સરકારી મૂડીખર્ચમાં તેજીની આશા અને ૨૦૨૫ના ચોથા ક્વાર્ટરમાં ફુગાવામાં સંભવત: નરમાઈ સાથે ફેબ્રુઆરીની પોલિસી મીટિંગ માટે સકારાત્મક દૃષ્ટિકોણથી પણ સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહમાં બીએસઇનો બેન્ચમાર્ક સેન્સેક્સ ૨.૩૯ ટકા અથવા ૧,૯૦૬ પોઈન્ટ વધીને ૮૧,૭૦૯ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો અને એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ ૨.૨૭ ટકા અથવા ૫૪૭ પોઈન્ટ વધીને ૨૪,૬૭૮ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૪.૧ ટકા વધ્યો હતો જ્યારે સ્મોલ કેપ ૧૦૦ ઇન્ડેક્સ ૪.૫ ટકા વધ્યો હતો. આમ વ્યાપક બજારોનું પ્રદર્શન બેન્ચમાર્ક કરતાં વધુ સારું રહ્યું હતું. એફએમસીજી સિવાયના મોટાભાગના ક્ષેત્રોએ રેલીમાં ભાગ લીધો હતો.
આ અઠવાડિયે, નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે આરબીઆઈના સીઆરઆર કટ પછી પ્રવાહિતામાં સંભવિત વધારો, સરકારી નીતિઓ અને એફઆઇઆઇના પ્રવાહના વળતરને કારણે બજાર તેની ક્રમિક ઉછાળો જળવાઇ રહેશે. સીઆરઆર કટને કારણે બેન્કિંગ સિસ્ટમમાં રૂપિયા એક લાખ કરોડથી વધુની પ્રવાહિતા ઠલવાશે.
આ ઉપરાંત વૈશ્ર્વિક ઇક્વિટી બજારની દિશા યુએસ સીપીઆઈ ફુગાવાના ડેટાની જાહેરાતથી પ્રભાવિત થશે, જે ફેડરલની ડિસેમ્બરની બેઠકમાં શું થઇ શકે છે, તેનો અમુકઅંશે સંકેત આપશે. સ્થાનિક મોરચે, બજારના સહભાગીઓ સીપીઆઈ ફુગાવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે ફેબ્રુઆરી અથવા એપ્રિલ પોલિસી મીટિંગમાં શરૂ થવાની સંભાવના છધરાવતા રેટ કટ ચક્ર પર નિર્ણય લેવા માટે આરબીઆઈ માટે મુખ્ય પરિબળ છે.
મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ નવેમ્બરમાં ફુગાવો નરમ થવાની અપેક્ષા રાખે છે, જે ઓક્ટોબરમાં ઊંચા ખાદ્ય ફુગાવાના કારણે ૬.૨૧ ટકાની ૧૪ મહિનાની ઊંચી સપાટીએ પહોચ્યો હતો અને જે આરબીઆઈના ચાર ટકાના મધ્યમ લક્ષ્યાંકથી ઘણો ઉપર હતો.
અન્ય સ્થાનિક આર્થિક ડેટામાં ફુગાવા ઉપરાંત, ઓક્ટોબર માટેના ઔદ્યોગિક અને મેન્યુફેકચરિંગ પ્રોડકશન ડેટા પણ ૧૨મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. વધુમાં, ૨૯ નવેમ્બરે પૂરા થયેલા પખવાડિયા માટે બેંક લોન અને ડિપોઝિટ વૃદ્ધિ તેમજ છઠી ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહ માટે વિદેશી હૂંડિયામણ અનામત ૧૩ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
વૈશ્ર્વિક સ્તરે તમામની નજર યુનાઇટેડ સ્ટેટ્સના નવેમ્બર માટેના ફુગાવાના ડેટા પર રહેશે, ખાસ કરીને ૧૭-૧૮મી ડિસેમ્બરના રોજ યોજાનારી ફેડરલ ઓપન માર્કેટ કમિટીની પોલિસી મીટિંગમાં સેન્ટ્રલ બેંક અગાઉની બે મીટિંગમાં અગાઉથી જ નોંધાયેલા ૭૫ બેસિસ પોઇન્ટના કટ ઉપરાંત ફેડરલ ફંડના દરમાં ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો જાહેર કરે તેવી શક્યતા છે. અર્થશાસ્ત્રીઓના મતે ઓક્ટોબરમાં મોંઘવારી દર ૨.૬ ટકાની આસપાસ રહેવાની શક્યતા છે.
યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા ૧૨મી ડિસેમ્બરના રોજ વ્યાજ દરના નિર્ણય પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ ધીમી વૃદ્ધિ અને યુએસ ટેરિફ અંગેના ભય વચ્ચે સેન્ટ્રલ બેંક ડિપોઝિટ ફેસિલિટી રેટ (મુખ્ય નીતિ દર) ૨૫ બેસિસ પોઇન્ટ ઘટાડશે એવું માનવામાં આવે છે. જો આવું થાય, તો જૂનની મીટિંગથી ચાલુ વર્ષમાં આ ચોથો ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો હશે.
બજાર આગામી સપ્તાહ માટે વિદેશી સંસ્થાકીય ફંડોની પ્રવૃત્તિ પર પણ નજર રાખશે કારણ કે સપ્ટેમ્બરના મધ્ય પછી પ્રથમ વખત સાપ્તાહિક ધોરણે એફઆઇઆઇ પ્રવાહમાં સકારાત્મક ટર્નઅરાઉન્ડ જોવા મળ્યો હતો, જે વ્યાપક-આધારિત બજારની તેજીમાં પ્રતિબિંબિત થાય છે. ઓક્ટોબર-નવેમ્બરમાં રૂ. ૧.૬ લાખ કરોડની ચોખ્ખી વેચવાલી સામે એફઆઇઆઇએ ડિસેમ્બરમાં કેશ સેગમેન્ટમાં રૂ. ૧૧,૯૩૪ કરોડની ચોખ્ખી લેવાલી નોંધાવી હતી.
જોકે, તેનાથી વિપરીત, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ડિસેમ્બરમાં રૂ. ૧,૭૯૨ કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી હતી જે અગાઉના બે મહિનામાં રૂ. ૧.૫૧ લાખ કરોડની ચોખ્ખી ખરીદી હતી. એકંદરે, તેઓ ઓગસ્ટ ૨૦૨૩થી માસિક ધોરણે ચોખ્ખા ખરીદદારો રહ્યાં છે.
Also Read – અમેરિકાના પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે સોના-ચાંદીમાં નરમાઈ…
પ્રાઈમરી માર્કેટ વ્યસ્ત સપ્તાહ માટે તૈયારી કરી રહ્યું છે, જેમાં પાંચ મેઈનબોર્ડ આઈપીઓ સાથે જખઊ સેગમેન્ટના છ જાહેર ઈશ્યુ સબસ્ક્રિપ્શન માટે ખુલવાના છે. વિશાલ મેગા માર્ટનું રૂ. ૮,૦૦૦ કરોડનું પ્રારંભિક શેર વેચાણ અને સાઇ લાઇફ સાયન્સની રૂ. ૩,૦૪૩ કરોડની ઓફર સાથે વન મોબિક્વિક સિસ્ટમ્સનો રૂ. ૫૭૨ કરોડનો પબ્લિક ઇશ્યૂ ૧૧મી ડિસેમ્બરે દલાલ સ્ટ્રીટ પર આવશે,
જ્યારે ઇન્વેન્ચર્સ કોર્પોરેશન ૧૨મી ડિસેમ્બરે જાહેર ભરણું ખોલશે, અને ૧૩ ડિસેમ્બરે ઇન્ટરનેશનલ જેમમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટનો રૂ. ૪,૨૨૫ કરોડનો આઇપીઓ બજારમાં આવશે. એ જ રીતે, એસએમઇ સેગમેન્ટમાં, ધનલક્ષ્મી ક્રોપ સાયન્સ, જંગલ કેમ્પ્સ ઈન્ડિયા, ટોસ ધ કોઈન, પર્પલ યુનાઈટેડ સેલ્સ, સુપ્રીમ ફેસિલિટી મેનેજમેન્ટ અને યશ હાઈવોલ્ટેજ દ્વારા જાહેર ઈશ્યુ આ અઠવાડિયે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે, જ્યારે એમરાલ્ડ ટાયર પ્રોડ્યુસરનો આઇપીઓ નવમી ડિસેમ્બરે બંધ થશે.