શૅરબજાર, સોનાચાંદીમાં ધૂમ તેજી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શૅરબજાર અને બુલિયન બજારમાં ભારતીય બેટ્સમેનની ધૂંઆંધાર બેટિંગ જેવી જ તેજીનો માહોલ રહ્યો હતો. અમેરિકાના ફુગાવાના સાનુકૂળ ડેટા પાછળ વૈશ્ર્વિક બજારોમાં તેજી વચ્ચે બુધવારના સત્રમાં ફરી ઇક્વિટી બેન્ચમાર્ક ઊછળ્યા હતા. સેન્સેક્સ ૭૪૨ પોઈન્ટ ઊછળ્યો હતો અને નિફ્ટી ૧૯,૬૦૦થી ઉપર ગયો છે. સત્રને અંતે સેન્સેક્સ ૭૪૨.૦૬ પોઈન્ટ અથવા ૧.૧૪ ટકા વધીને ૬૫,૬૭૫.૯૩ના સ્તરે અને નિફ્ટી ૨૩૧.૯૦ પોઈન્ટ અથવા ૧.૧૯ ટકા વધીને ૧૯,૬૭૫.૪૫ પર પહોંચ્યો હતો.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે અમેરિકાના ઑક્ટોબરના ૩.૨ ટકા ફુગાવાનું સ્તર, અપેક્ષા કરતા ઘણું નીચું છે. કોર ફુગાવામાં માસિક ધોરણે માત્ર ૦.૨ ટકાનો
વધારો છે, જેને કારણે ફેડરલ રિઝર્વ દરમાં વધારો ટાળશે એવી અટકળોએ જોર પકડતા લેવાલી વધી હતી. ભારતમાં સીપીઆઈ ફુગાવામાં થયેલા નોંધપાત્ર ઘટાડાની પણ બજારના માનસ પર અસર હતી.
બુલિયન બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. ચાંદીએ રૂ. ૨૨૬૯ના ઉછાળા સાથે રૂ. ૭૨,૨૦૦ની સપાટી વટાવી જ્યારે સોનું રૂ. ૬૦,૬૦૦ની ઉપર પહોંચ્યું છે. બુધવારના સત્રને અંતે હાજર ચાંદી એક કિલોદીઠ રૂ. ૨૨૬૯ના જોરદાર ઉછાળા સાથે રૂ. ૭૨,૨૨૦ની સપાટીએ સ્થિર થઇ હતી. સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૫૮૪ના ઉછાળા સાથે રૂ. ૬૦,૩૭૫ની સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે ૯૯૯ ટચનું શુદ્ધ સોનું રૂ. ૫૪૭ ઉછળીને રૂ. ૬૦, ૬૧૮ની સપાટીએ સ્થિર થયું હતું.