
લખનઉ: ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ(STF)એ એક એન્કાઉન્ટરમાં રાજ્યના મોટા માફિયા અને શાર્પ શૂટરને ઠાર કર્યો છે, માફિયા વિનોદ કુમાર ઉપાધ્યાયને યુપીના સુલતાનપુરમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. ગોરખપુર પોલીસે વિનોદ કુમાર ઉપાધ્યાય પર 1 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું.
શાર્પ શૂટર વિનોદ કુમાર ઉપાધ્યાયે એક સંગઠિત ગેંગ બનાવી હતી અને લખનઉ, ગોરખપુર, બસ્તી, સંત કબીર નગરમાં ઘણી ચકચારી હત્યાની ઘટનાઓને અંજામ આપ્યો હતો. વિનોદ ઉપાધ્યાયનું એન્કાઉન્ટર એસટીએફ હેડક્વાર્ટરના ડેપ્યુટી એસપી દીપક કુમાર સિંહના નેતૃત્વમાં તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. વિનોદ ઉપાધ્યાય વિરૂદ્ધ ગોરખપુર, બસ્તી અને સંત કબીર નગરમાં 35 કેસ નોંધાયા હતા પરંતુ તેમાંથી એક પણ કેસમાં તેમને સજા થઈ નથી.
શુક્રવારે વહેલી સવારે જ્યારે STF ની ટીમે તેને ઘેરી લીધો ત્યારે તેણે બચવા માટે ગોળીબાર શરૂ કર્યો. તેણે STF ટીમ પર કેટલાક રાઉન્ડ ફાયર કર્યા હતા, જે બાદ STFએ જવાબી કાર્યવાહીમાં તેને ગોળી મારી દીધી. ગોળી વાગ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. STF અને ગોરખપુર ક્રાઈમ બ્રાન્ચની ટીમ 7 મહિનાથી ઉપાધ્યાયને શોધી રહી હતી. વિનોદ ઉપાધ્યાય યુપીના માફિયાઓની ટોપ 10 યાદીમાં સામેલ હતો. વિનોદ ઉપાધ્યાય અયોધ્યા જિલ્લાના પૂર્વાનો રહેવાસી હતો અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યુપી પોલીસે તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
વિનોદ ઉપાધ્યાય ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે થપ્પડ મારવા બદલ કોઈની હત્યા કરી હતી. આ ઘટના બાદ વિનોદ ઉપાધ્યાયની ગુનાની દુનિયામાં એન્ટ્રી થઈ હતી. વર્ષ 2004માં, ગોરખપુર જેલમાં બંધ ગુનેગાર જીતનારાયણ મિશ્રાએ કોઈ મુદ્દે વિવાદ બાદ તેને થપ્પડ મારી દીધી હતી. બીજા વર્ષે જીતનારાયણ મિશ્રા જેલમાંથી બહાર આવ્યો ત્યારે વિનોદ ઉપાધ્યાયે તક જોઈને વર્ષ 2005માં સંત કબીર નગર બખીરા પાસે તેની હત્યા કરી નાખી, જેના કારણે તે ચર્ચામાં આવ્યો.