પશ્ચિમ ત્રિપુરામાં મંદિરમાં પ્રતિમા ખંડિત કરાઈ, વિફરેલા ટોળાએ ઘર-વાહનોને આગ ચાંપી
અગરતલા: પશ્ચિમ ત્રિપુરાના રાનીરબજાર વિસ્તારમાં એક મંદિરમાં પ્રતિમા ખંડિત કરાયા બાદ વિફરેલા ટોળા દ્વારા ઓછામાં ઓછા ૧૨ મકાન અને કેટલાક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી, પોલીસે સોમવારે જણાવ્યું હતું.
તણાવ ઓછો કરવા માટે આ વિસ્તારમાં ભારે પોલીસના જવાનોને તહેનાત પણ કરવામાં આવ્યા હતા અને કાયદાની કલમ ૧૬૩ હેઠળ પ્રતિબંધિત આદેશો જીરાનિયા પેટાવિભાગમાં લાદવામાં આવ્યા હતા જે હેઠળ રાનીરબજાર આવે છે.
એ આઇ જી (કાયદો અને ઓર્ડર) અનંત દાસે જણાવ્યું હતું કે કૈતુરબારીમાં દેવી કાલીની પ્રતિમા ખંડિત મળી આવ્યા બાદ રવિવારે મોડી રાત્રે રાનીરબજારમાં લગભગ ૧૨ ઘરોને આગ લગાડવામાં આવી હતી. આગમાં કેટલીક મોટરસાયકલ અને પિક-અપ વાન પણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ માનવ જાનહાનિ થઈ નથી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ઉશ્કેરાયેલા ટોળાને જોઈને રહેવાસીઓ તેમના ઘર છોડીને ભાગી ગયા હતા.
દાસે જણાવ્યું હતું કે તણાવને ઓછો કરવા માટે સુરક્ષા દળોની ભારે સંખ્યામાં તૈનાતી કરવામાં આવી છે. શાંતિ ભંગની આશંકાને પગલે પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે, પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. ડી જી પી (ઇન્ટેલિજન્સ)અનુરાગ ધનકડ અને પશ્ચિમ ત્રિપુરાના એસ પી કિરણ કુમારે વિસ્તારની મુલાકાત લીધી હતી.