નેશનલ

રાંચીમાં પ્રતિમાની તોડફોડ: તપાસ માટે એસઆઈટી રચાઈ

રાંચી: અહીંનાં મડમા ગામસ્થિત પાંચ મંદિરમાં ભગવાનની પ્રતિમાની કરવામાં આવેલી તોડફોડને મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ ‘સિટ’ની રચના કરવામાં આવી હોવાનું પોલીસે શુક્રવારે કહ્યું હતું. રાંચી (ગ્રામીણ)ના એસપી મનિષ ટોપ્પોએ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે પ્રતિમાની તોડફોડમાં સંડોવાયેલા લોકોને શોધી કાઢવા અમે ‘સિટ’ની રચના કરી છે.

ગામમાં આવેલા મંદિરની સુરક્ષા પણ વધારવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું. અગાઉ, ઘટનાને મામલે વિરોધ નોંધાવવા રોષે ભરાયેલા સ્થાનિક રહેવાસીઓએ ગુરુવારે રાત્રે નેશનલ હાઈવે-૭૫ અને અન્ય રસ્તાઓ પર અવરોધ ઊભા કર્યા હતા.

ઘટનાને મામલે બે જણને અટકાયતમાં લેવામાં આવ્યા હોવાનું ડીએસપી અંકિતા રોયે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

ગામવાસીઓના જણાવ્યા અનુસાર મંદિરમાંની ભગવાન શિવ, હનુમાન અને દેવીની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાને મામલે વિરોધ કરવા રોષે ભરાયેલા ગામવાસીઓ પરંપરાગત શસ્ત્રો સાથે નેશનલ હાઈવે-૭૫ પર એકઠાં થયા હતા અને વાહનવ્યવહાર ખોરવી નાખ્યો હતો.
પ્રદર્શનકર્તાઓએ ઠાકુરગામ, ચાન્હો અને બિજુપારા ખાતે પણ રસ્તા રોકો આંદોલન કર્યું હતું.

ગામવાસીઓની ત્રણ માગણી માન્ય કરવાની પોલીસે સહમતી દર્શાવ્યા બાદ શુક્રવારે બપોરે લગભગ ૨:૩૦ વાગે ગામવાસીઓએ આંદોલન પાછું ખેંચી લીધું હતું.

ગામવાસીઓએ કરેલી ત્રણ માગણીમાં ઘટનાને મામલે તપાસ યોજવા ‘સિટ’ની રચના કરવી, દોષીઓની ધરપકડ અને મંદિરોની સુરક્ષામાં વધારો કરવાનો સમાવેશ થતો હોવાનું પોલીસે કહ્યું હતું.
પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ઘટનામાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવાની કાર્યવાહી આરંભી દેવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button