નેશનલ

લોકસભાની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ

૨૧ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશની ૧૦૨ બેઠક માટે ઉમેદવારી નોંધાવાનું શરૂ

નવી દિલ્હી: પ્રથમ તબક્કામાં જે રાજ્યોમાં લોકસભાની બેઠકો માટે મતદાન થવાનું છે તે રાજ્યો માટે ઉમેદવારોના નામાંકન ભરવાની પ્રક્રિયા બુધવારથી શરૂ થઈ ગઈ હતી.

પ્રથમ તબક્કામાં ૧૭ રાજ્ય અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશની ૧૦૨ લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. ૧૮મી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૦૨ બેઠક માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ ૨૭ માર્ચ છે.

ચૂંટણી પંચ દ્વારા ગત સપ્તાહે લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી ૧૯ એપ્રિલથી શરૂ થશે અને તે પછી ૨૬ એપ્રિલ, સાત મે, ૧૩ મે, ૨૦ મે, ૨૫ મે અને એક જૂનના રોજ સાત અલગ-અલગ તબક્કામાં મતદાન થશે. મતગણતરી ચાર જૂને થશે.

આ વખતે સામાન્ય ચૂંટણી સાત તબક્કામાં યોજાવા જઈ રહી છે, જેના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પંચે ૨૦ માર્ચે જાહેરનામું બહાર પાડ્યું હતું.

જોકે, બિહાર માટે નોમિનેશનની છેલ્લી તારીખ ૨૮ માર્ચ રાખવામાં આવી છે. જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૩૦ માર્ચ છે. આ સિવાય બિહારમાં નામાંકન પરત ખેંચવા માટે બે એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી છે. બિહારની ૪૦માંથી ચાર બેઠક પર પ્રથમ તબક્કામાં મતદાન થશે.

પ્રથમ તબક્કામાં જે ૨૧ રાજ્યોની ૧૦૨ બેઠક પર ચૂંટણી યોજાશે, તેમાં પુડુચેરી, મિઝોરમ, મેઘાલય, મધ્ય પ્રદેશ, મણિપુર, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બંગાળ, નાગાલેન્ડ, આંદામાન નિકોબારનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણીના પ્રથમ
તબક્કામાં ૧૯ એપ્રિલે મતદાન થશે.

લોકસભા ચૂંટણી-૨૦૨૪ દરમિયાન ૮૫ વર્ષથી મોટી ઉંમરના લોકો તેમ જ ૪૦ ટકાથી વધુના દિવ્યાંગો માટે ઘરે બેઠાં મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ચૂંટણી પંચની ભલામણ બાદ પહેલી માર્ચથી સરકારે વૃદ્ધ મતદાતાઓ માટે પોસ્ટલ બેલટથી મતદાન કરનારા માટેના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે ફક્ત ૮૫થી વધુ ઉંમરના મતદાતાઓ જ પોસ્ટલ બેલટનો ઉપયોગ કરી શકશે. પહેલાં આ સુવિધા ૮૦-પ્લસ મતદારો માટે ઉપલબ્ધ હતી. કાયદા મંત્રાલય દ્વારા ગેઝેટ નોટિફિકેશનમાં કહ્યું હતું કે ૮૫-પ્લસ મતદારો માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે.

પોસ્ટલ બેલટ દ્વારા દિવ્યાંગો અને ૮૫ વર્ષથી મોટી ઉંમરના લોકોના મતો ઘરે-ઘરે ફરીને એકઠા કરવામાં આવશે. આ સુવિધા મેળવવા માટે માન્ય મતદારોએ ફોર્મ ૧૨-ડી ભરીને બીએલઓ (બૂથ લેવલ ઓફિસર)ને આપવાનું રહેશે. આવી રીતે અરજી આપવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને પહેલા તબક્કાના મતદાન માટે ૨૬ માર્ચ સુધી ચાલુ રહેશે. પહેલા તબક્કા માટેનું ઘરે બેઠાં મતદાન પાંચમી એપ્રિલથી ચાલુ થશે અને ૧૪ એપ્રિલ પહેલાં બધા જ પાત્ર મતદારોના મતો એકઠા કરી લેવામાં આવશે. જો પહેલા તબક્કામાં કોઈ કારણસર કર્મચારીઓ મતો એકઠા કરવા માટે પહોંચી નહીં શકે તો બીજા તબક્કામાં ૧૫ અને ૧૬ એપ્રિલે ઘરે ઘરે જઈને મતો એકઠા કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button