ઝાંસીઃ ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે રેલવે સ્ટેશન પર મોટો અકસ્માત થતા સહેજમાં રહી ગયો હતો. અચાનક ટ્રેન ચાલુ થઇ અને લોકોએ તેમાં ચઢવા દોટ મૂકી તેમાં અકસ્માતની સ્થિતિ સર્જાઇ હતી, પણ ટ્રેનના ડ્રાઇવરની સમયસૂચકતાથી આ અકસ્માત થતા રહી ગયો હતો.
આ પણ વાંચો : પીએમ મોદી, એકલા વાહવાહી ન લૂંટોઃ સોનમર્ગમાં ટનલના ઉદ્ધાટન બાદ કૉંગ્રેસે ટ્વીટમાં કહ્યું કંઈક આવું…
ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થયેલ છે અને આ માટે દેશવિદેશથી લોકો અહીં પહોંચી રહ્યા છે. પ્રયાગરાજમાં તો રીતસરનો માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. દરેક ગામ, શહેર અને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો મહાકુંભમાં ભાગ લેવા અને ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવવા પધારી રહ્યા છે. લોકોને પ્રવાસમાં કોઇ તકલીફ ના પડે એ માટે રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશના ઝાંસી રેલવે સ્ટેશને પણ મહાકુંભ મેળામાં પહોંચવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ઝાંસી ખાતેથી પણ ટ્રેન પ્રયાગરાજ જવાની હતી, જેની માટે લોકોની ભારે ભીડ હતી. એ સમયે અહીં મોટો અકસ્માત થતા સહેજમાં રહી ગયો હતો.
મળતી માહિતી મુજબ સોમવારે સાંજે ઝાંસી પ્રયાગરાજ એક્સપ્રેસ (રિંગ રૂટ) ટ્રેન લગભગ 7:45 કલાકે પ્લેટફોર્મ નંબર 6 થી પ્લેટફોર્મ નંબર 8 પર સફાઇ કરવા માટે મોકલવામાં આવી રહી હતી. રેલવે એ આ અંગે એનાઉન્સમેન્ટ પણ કરી હતી, પણ મહાકુંભના જોશમાં કદાચ લોકોએ એને સાંભળી નહોતી કે એના પર બહુ ધ્યાન નહોતું આપ્યું. સ્ટેશન પર ઉભેલી ભીડને લાગ્યું કે ટ્રેન નીકળી રહી છે અને તેમણે ટ્રેનમાં ચડવા માટે ઘસારો કર્યો હતો જેને કારણે પ્લેટફોર્મ પર ના સભાગ મચી ગઈ હતી આ નાસભાગમાં બે મુસાફરો ટ્રેક પર તો કેટલાક મુસાફરો પ્લેટફોર્મ પર પડી ગયા હતા.
ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને ટ્રેનને રોકી દીધી હતી, જેના કારણે મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. ઘણા મુસાફરોએ આ ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો છે. આ ઘટના બાદ રેલવે અધિકારીઓ પણ ઝાંસી રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા હતા અને તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ પણ વાંચો : ગુજરાતથી મહાકુંભ જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત; કારચાલકનું મૃત્યુ
રેલ્વેએ આ ઘટના અંગે માહિતી આપતા કહ્યું હતું કે આ ટ્રેન સફાઇ માટે જઇ રહી છે એ અંગેની એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી હતી, પરંતુ યાત્રીઓએ તેને સાંભળી નહોતી અને તેમને લાગ્યું કે ટ્રેન જઈ રહી છે અને તેઓ ચડતી ટ્રેનમાં ચઢવા માટે દોડી પડ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈને પણ કોઈ પ્રકારની ઈજા થઈ નથી. આ ઘટના બાદ રેલવેમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સારી કરવાના આદેશો આપવામાં આવ્યા છે.