ઉદયપુર ચાકૂબાજીની ઘટના બાદ આરોપીના મકાન પર ફેરવાયું બુલડોઝર
ઉદયપુર: રાજસ્થાનના ઉદયપુરની શાળામાં ચાકૂબાજીની ઘટના બાદ આરોપીના ગેરકાયદે મકાન પર ઉદયપુર મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું છે. આ પહેલા ઘરને ખાલી કરાવવામાં આવ્યું હતું અને વીજળી કનેક્શનને પણ કાપી નાખવામાં આવ્યું હતું. મકાન તોડી પાડવાની કાર્યવાહી વન વિભાગની એક નોટિસના આધારે કરવામાં આવી હતી, જે નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે આરોપીનું મકાન વન વિભાગની જામીન પર બનેલુ હતું. આ મામલે વન વિભાગે અગાઉ નોટિસ પાઠવી હતી.
વન વિભાગની ટીમ આરોપી વિદ્યાર્થીના ઘરે પહોંચી હતી અને ત્યાં ગેરકાયદે બાંધકામના લીધે વિભાગે બુલડોઝર ચલાવીને આરોપી વિદ્યાર્થીના ઘરને તોડી પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી પક્ષનું ઘર વન વિભાગની જમીન પર બનેલ છે. જેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. જે બાદ વિભાગે આરોપીના ઘર પર નોટિસ ચોંટાડીને તેને અતિક્રમણ હટાવવાનું કહ્યું છે.
આ પણ વાંચો : સ્કૂલમાં છરાબાજીની ઘટના બાદ ઉદયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ, શાળાઓ બંધ
પ્રાપ્ત વિગતો અનુસાર શનિવારે બપોરે ઉદયપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેમની આખી ટીમ સાથે જેસીબી લઈને સ્થળ પર પહોંચ્યા હતા. સૌથી પહેલા તેઓએ આરોપી વિદ્યાર્થીના ઘરનું વિજળી કનેક્શન કાપી નાખ્યું. આ પછી ઓછામાં ઓછા સમયમાં ઘર ખાલી કરાવવામાં આવ્યું. જ્યારે અધિકારીઓએ ખાતરી કરી કે ઘરમાં કોઈ નથી ત્યારે તરત જ બે જેસીબી દ્વારા મકાન તોડવાની પ્રક્રિયા શરૂ કરી. આ દરમિયાન સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ અને લોકો આ દ્રશ્ય જોતા જ રહી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે 10માં ધોરણમાં ભણતા વિદ્યાર્થી પર તે જ શાળામાં અભ્યાસ કરતા ખાસ સમુદાયના વિદ્યાર્થીએ છરી વડે હુમલો કર્યો હતો. ઘાયલ વિદ્યાર્થીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ શહેરનું વાતાવરણ બગડી ગયું હતું અને અનેક જગ્યાએ આગચંપી અને તોડફોડ શરૂ થઈ હતી. જેમાં બદમાશોએ ઘણી કારને આગ ચાંપી દીધી હતી. પરિસ્થિતિને જોતા પોલીસે સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે અને શનિવારે રાત્રે 10 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. વહીવટીતંત્રે તમામ (ખાનગી અને સરકારી) શાળાઓ અને કોલેજોને આગામી આદેશો સુધી બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.