શ્રીનગર-બારામુલ્લા હાઈવે પર આઈડી બોમ્બ મળ્યો, સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જારી
શ્રીનગર: શ્રીનગર બારામુલ્લા હાઈવેના લવાપોરા વિસ્તારમાં આજે આઈડી બોમ્બ મળ્યા હોવાની બાબત જોણવા મળી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તેને ડિફ્યુઝ કરવામાં વ્યસ્ત છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી અને હાઈ એલર્ટ જારી કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે પૂંછ હુમલા બાદ સેના જમ્મુ-કાશ્મીરમાં હાઈ એલર્ટ પર છે અને આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે.
અગાઉ ત્રણ દિવસ પહેલા 24 ડિસેમ્બરના રોજ બારામુલ્લામાં આતંકીઓએ એક રિટાયર્ડ ઓફિસર મોહમ્મદ શફી જ્યારે મસ્જિદમાં અઝાન પાઠ કરી રહ્યા હતા ત્યારે મસ્જિદમાં ઘૂસીને આતંકવાદીઓએ તેમની પર ગોળીબાર કર્યો હતો. આ પહેલા 21 ડિસેમ્બરના રોજ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં સશસ્ત્ર આતંકવાદીઓએ સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા.
રક્ષા પ્રધાન રાજનાથ સિંહ હુમલાની સમીક્ષા કરવા માટે આજે સવારે 11.30 વાગે જમ્મુ-કાશ્મીરની મુલાકાત પર આવવાના છે. જ્યાંથી તેઓ રાજૌરી જશે અને હુમલાના સ્થળની સમીક્ષા કરશે. સંરક્ષણ પ્રધાન કમાન્ડરો સાથે બેઠક કરશે અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરશે. જો કે આજે સવારે આઈડી બોમ્બ મળ્યા હોવાની ઘટના બાદ રક્ષા પ્રધાનની આગળની કાર્યવાહી શું હશે તે જાણી શકાયું નથી.
નોંધનીય છે કે પૂંછ આતંકી હુમલામાં પાકિસ્તાન-ચીન ગઠબંધનની મુખ્ય ભૂમિકાનો પર્દાફાશ થયો છે. ગુપ્તચર એજન્સીના જણાવ્યા અનુસાર આતંકવાદી હુમલામાં ચીનમાં બનેલા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ હુમલામાં ચીની બનાવટના હથિયારો, બોડી સૂટ, કેમેરા અને કોમ્યુનિકેશન ડિવાઇસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલમાં આ વિસ્તારમાં આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશનને તેજ કરી દેવામાં આવ્યું છે. જો કે કેટલાક સ્થાનિકો પણ આમા મળેલા હતા તેમની ધરપકડ કરવામાં આવી છે.