શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના વડાની જયપુરમાં હત્યા
ગૅંગસ્ટર રોહિત ગોદરાએ જવાબદારી લીધી
જયપુર: જમણેરી પાંખના સંગઠન શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની અહીં આવેલા તેમના ઘરના બેઠકના રૂમમાં હત્યા કરાઇ હતી. ગૅંગસ્ટર રોહિત ગોદરાએ આ હત્યાની જવાબદારી લીધી હતી. રોહિત ગોદરાનો સંબંધ લોરેન્સ બિશ્ર્નોઇની ગૅંગ સાથે હોવાનું કહેવાય છે.
ત્રણ સશસ્ત્ર હુમલાખોરો ગોગામેડીના ઘરમાં ઘૂસ્યા હતા અને તેઓમાંના એક જણે ગોળી મારી હતી. હુમલાખોરો સાથેના સામસામા ગોળીબારમાં સુખદેવસિંહ ગોગામેડીના ચોકીદારને ઇજા થઇ હતી.
હુમલાખોરો અહીંના શ્યામનગર વિસ્તારમાં આવેલા સુખદેવસિંહ ગોગામેડીના ઘરે તેમને મળવાનું બહાનું કાઢીને ગયા હતા. આ આખી ઘટના સીસીટીવીમાં
કેદ થઇ હતી. સુખદેવસિંહ ગોગામેડીને શ્રી રાજપૂત કરણી સેનાના સ્થાપક લોકેન્દ્રસિંહ કાલવી સાથેના મતભેદને પગલે ૨૦૧૫માં સંગઠનમાંથી કાઢી મુકાયા હતા અને તેથી તેમણે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની રચના કરી હતી.
આ બન્ને સંગઠને ૨૦૧૮માં અભિનેત્રી દીપિકા પદુકોણની ફિલ્મ ‘પદ્માવત’નો વિરોધ કર્યો હતો. તેઓએ આક્ષેપ કર્યો હતો કે આ ફિલ્મમાં રાજપૂત કોમના ઇતિહાસને ખોટી રીતે રજૂ કરાયો હતો.
જયપુરના પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે પત્રકારોને જણાવ્યું હતું કે ત્રણ જણ સુખદેવસિંહ ગોગામેડીના ઘરે ગયા હતા અને ચોકીદારોને કહ્યું હતું કે અમે સુખદેવસિંહ ગોગામેડીને મળવા માગીએ છીએ.
ચોકીદારો આ ત્રણ જણને ઘરમાં લઇ ગયા હતા. આ ત્રણ જણે ગોળીબાર કરતા પહેલાં સુખદેવસિંહ ગોગામેડીની સાથે દસ મિનિટ સુધી વાત કરી હતી.
એક હુમલાખોરનું નામ નવીનસિંહ શેખાવત હતું અને તેનું પણ સામસામા ગોળીબારમાં મૃત્યુ થયું હતું. બાકીના બે હુમલાખોર સુખદેવસિંહ ગોગામેડીના ઘરની બહાર એક વ્યક્તિનું સ્કૂટી છીનવીને નાસી ગયા હતા.
ગોળીબારમાં ઘાયલ થયેલા સુખદેવસિંહ ગોગામેડીના એક ચોકીદારને હૉસ્પિટલના આઇસીયુમાં દાખલ કરાયો હતો.
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. અમે બાકીના બે હુમલાખોરને શોધવાનું તુરત શરૂ કરી દીધું હતું. આ હત્યાનું ષડ્યંત્ર રચનારા લોકોને પણ જલદી પકડી લેવાશે.
પ્રાથમિક અહેવાલ મુજબ નવીનસિંહ શેખાવત એક દુકાન ચલાવતો હતો.
સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના સમાચાર મળતા જ રાજપૂત કોમના લોકો ગોગામેડીના ઘરે ભેગા થવા લાગ્યા હતા. ઘાયલ ગોગામેડીને હૉસ્પિટલમાં લઇ જવાયા હતા, પરંતુ બચાવી નહોતા શકાયા.
સુખદેવસિંહ ગોગામેડીના એક સગાએ હૉસ્પિટલની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે સુખદેવસિંહ ગોગામેડીને ઘણાં સમયથી હુમલાની ધમકી મળતી હતી અને પોલીસને તેની જાણ કરાઇ હતી.
સુખદેવસિંહ ગોગામેડીના ટેકેદારોએ હૉસ્પિટલની બહાર શિપ્રાપથ પરનો વાહનવ્યવહાર બંધ કરાવ્યો હતો અને આરોપીઓને તાત્કાલિક પકડવાની માગણી કરી હતી.
(એજન્સી)