આઇસીસી દ્વારા શ્રીલંકાનું સભ્યપદ રદ
દુબઈ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ શ્રીલંકાના ક્રિકેટ બૉર્ડમાં ત્યાંની સરકારની દખલગીરીને કારણે શ્રીલંકાનું સભ્યપદ રદ કર્યું હતું.
શ્રીલંકાની સંસદે ગુરુવારે શ્રીલંકાના ક્રિકેટ બૉર્ડને વિખેરી નાખવા માટે ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો હતો. શાસક પક્ષ અને વિપક્ષોએ આ ઠરાવને ટેકો આપ્યો હતો. આઇસીસીના નિવેદનમાં જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના બૉર્ડે શ્રીલંકા ક્રિકેટનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કર્યુું હતું.
આઇસીસી બૉર્ડની શુક્રવારે બેઠક મળી હતી અને શ્રીલંકાના ક્રિકેટ બૉર્ડના સંચાલનમાં સરકાર દ્વારા કરાતી દખલગીરીનું કારણ આપીને સંબંધિત નિર્ણય લેવાયો હતો. આ સસ્પેન્શનની શરત અને અન્ય વિગત ટૂંક સમયમાં જ નક્કી કરાશે.
ભારતમાં રમાઇ રહેલા ક્રિકેટના વિશ્ર્વ કપમાં શ્રીલંકાની ટીમના ખરાબ પ્રદર્શનને લીધે શ્રીલંકાની સરકારે ક્રિકેટ બૉર્ડને વિખેરી નાખ્યું હતું. શ્રીલંકા વિશ્ર્વ કપમાંની નવ મેચમાંથી માત્ર બે મેચ જ જીત્યું છે અને સૅમિફાઇનલમાં પ્રવેશી શકે એમ નથી.
શ્રીલંકાની સંસદમાં જ્યારે ક્રિકેટ બૉર્ડના ભાવિ અંગેના ઠરાવ પર ચર્ચા ચાલતી હતી ત્યારે શ્રીલંકાના ક્રિકેટ બૉર્ડના વડા મથક ખાતે ભારે સુરક્ષા વ્યવસ્થા કરાઇ હતી. (એજન્સી)