ભારતીય પર્યટકોને આકર્ષવા શ્રીલંકાએ કર્યા શ્રીરામને યાદ
ભારતનો પડોશી દેશ શ્રીલંકા મોટા ભાગે ટુરિઝમ પર નભે છે. શ્રીલંકા લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે સરકારે અત્યાર સુધીમાં અનેક પગલાં લીધા છે, પરંતુ તે બધા અપૂરતા સાબિત થયા છે. ભારતથી ઘણા પ્રવાસીઓ શ્રીલંકાની મુલાકાતે જતા હોય છે, તેથી ભારતીય પ્રવાસીઓને આકર્ષવા શ્રીલંકન એરલાઈન્સે નવો ઉપાય અજમાવ્યો છે.
શ્રીલંકાની એરલાઇન્સને રામાયણમાં દેશના આર્થિક સંકટનો ઉકેલ જોવા મળી રહ્યો છે. આવો આપણે વિગતે જાણીએ.
શ્રીલંકન એરલાઇન્સની નવી જાહેરાત હાલમાં ભારતમાં ચર્ચાનો વિષય બની છે. શ્રીલંકાના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે શ્રીલંકન એરલાઇન કંપનીએ ખૂબ જ રસપ્રદ રીતે રામાયણની મદદ લીધી છે. તેમણે એક જાહેરાત બનાવી છે. આ જાહેરાતમાં દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને રામાયણ દ્વારા દર્શાવવામાં આવ્યો છે.
એરલાઇનના આ પાંચ મિનિટના વીડિયોમાં શ્રીલંકાના તે સ્થાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે રામાયણમાં છે. ભારતમાં આ જાહેરાતની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ જાહેરાતમાં રાવણની ગુફા, સીતા અમ્માન મંદિર સહિત શ્રીલંકાના ઘણા પર્યટક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ જાહેરાતની શરૂઆતમાં એક દાદી તેના પૌત્રને શ્રીલંકાના પ્રવાસન સ્થળો વિશે જણાવે છે. દાદી પૌત્રને રામાયણમાં ઉલ્લેખિત સ્થળો વિશે કહે છે. જેમાં ઈલા પાસે રાવણની ગુફા પણ છે, જ્યાં રાવણે સીતામાતાને અપહરણ કર્યા બાદ રાખ્યા હતા. સીતા અમ્માન મંદિર જે અશોક વાટિકા તરીકે ઓળખાય છે. વીડિયોમાં તે અંગે પણ જણાવવામાં આવ્યું છે. આ સાથે રામ સેતુનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રામાયણની કથા અનુસાર ભગવાન રામે વાનર સેનાની મદદથી આ પુલ તૈયાર કરાવ્યો હતો.
બાળક તેની દાદીને પૂછે છે કે શું આ પુલ હજુ પણ છે? જવાબમાં દાદી કહે છે કે હા, તમે આજે પણ જોઈ શકો છો. દાદી કહે છે કે રામાયણમાં બતાવેલ તમામ સ્થાનો હકીકતમાં છે. આજે આપણે લંકાને શ્રીલંકા તરીકે જાણીએ છીએ.
ભારતમાં અયોધ્યોમાં રામ મંદિરમાં દર્શન કરવા આવતા લોકોનો આંક કરોડોમાં છે. ભારતના હિંદુઓ માટે રામ શ્રદ્ધાનો વિષય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય પ્રવાસીઓ અને રામ ભક્તોને આકર્ષવા માટે ઉદ્દેશ્યથી આ જાહેરાત તૈયાર કરવામાં આવી છે.
આ જાહેરાત બાદ તેના પર પ્રતિભાવ આપતા ભારતના એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું હતું કે હું આવતા વર્ષે મારા મિત્રો સાથે ટોક્યો જવાની યોજના બનાવી રહ્યો હતો. પરંતુ આ જાહેરાતે હવે મને શ્રીલંકા જવા મન બદલવાની ફરજ પાડી છે. મને ખબર ન હતી કે શ્રીલંકાએ આજ સુધી આ ઐતિહાસિક સ્થળોને સાચવી રાખ્યા છે. અન્ય એક ભારતીય સોશિયલ મીડિયા યુઝરે આ જાહેરાતની પ્રશંસા કરતા કહ્યું હતું કે આજે પણ રામાયણની ભાવનાને જીવંત રાખવા માટે શ્રીલંકાનો આભાર.