શ્રીલંકાના રાષ્ટ્રપતિ બિહારની મુલાકાતેઃ પૌરાણિક મંદિરમાં કર્યાં પૂજાપાઠ
પટનાઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે ભારત પ્રવાસે છે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ તેમનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. તેમણે ભારત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સહિત વિવિધ મંત્રીઓ સાથે મુલાકાત કરી છે. અનુર કુમાર દિસાનાયકે પોતાની યાત્રા દરમિયાન બિહાર પહોંચ્યા હતા, અહીં તેમણે મહાબોધિ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુર કુમાર દિસાનાયકે બિહારમાં ગયા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને તે બાદ મહાબોધિ મંદિર ગયા હતા. મહાબોધિ મંદિર 1500 વર્ષ પૌરાણિક છે અને ભગવાન બુદ્ધના જીવન તથા વિશેષ રૂપે તેમના જ્ઞાન પ્રાપ્તિ સંબંધિત ચાર પવિત્ર સ્થળમાંથી એક છે. ગયા ઈન્ટરનેશલ એરપોર્ટ પર બિહાર સરકારના મંત્રી રી પ્રેમ કુમાર તથા સંતોષ કુમાર સુમન તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.
બોધિ વૃક્ષ નીચે કરી પ્રાર્થના
શ્રીલંકાના રાષ્ટ્રપતિએ મહાબોધિ મંદિર પાસે પવિત્ર બોધિ વૃક્ષ નીચે પ્રાર્થના કરી અને ત્યાં ફૂલ પણ ચઢાવ્યાં હતા. તેમણે મંદિરમાં રહેલો ધર્મ ઘંટ પણ વગાડ્યો હતો. જે બાદ મંદિર પરિસર સ્થિત ભગવાન બુદ્ધથી જોડાયેલા અનેક સ્થાનોના પણ દર્શન કર્યા હતા. અનુરા કુમાર દિસાનાયકેની યાત્રાને લઈ મંદિર પરિસર આસપાસ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Also read: ચીન સમર્થક અનુરાકુમાર દિસાનાયકે બન્યા શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ, ભારત માટે ચિંતાનો વિષય
બિહારના ગયા જિલ્લા સ્થિત મહાબોધિ મંદિરના બૌદ્ધ શ્રદ્ધાળુઓ માટે સૌથી મહત્ત્વપૂર્ણ તીર્થ સ્થળ માનવામાં આવે છે. આ જગ્યા પર બોધિ વૃક્ષ નીચે ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. મહાબોધિ મંદિર ને યુનેસ્કો દ્વારા હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું છે.