ગોરેગામની એસઆરએ બિલ્ડિંગમાં અગ્નિતાંડવ: સાતનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામ (પશ્ચિમ)માં એમ. જી. રોડ પર આવેલી ગ્રાઉન્ડ પ્લસ સાત માળની એસઆરએની જયભવાની બિલ્ડિંગમાં શુક્રવારે વહેલી સવારના ત્રણ વાગે પાર્કિંગમાં ફાટી નીકળેલી ભીષણ આગમાં બે સગીર વયના બાળક સહિત સાતના મોત થયા હતા અને કુલ 62 જણા જખમી થયા હતા. તેમાંથી પાંચની હાલત ગંભીર છે.
શુક્રવારે સવારે અઢીથી ત્રણ વાગ્યા દરમિયાન બિલ્ડિંગના પાર્કિંગમાં રાખવામાં આવેલા કપડાની ચિંધીમાં આગ ફાટી નીકળી હતી. આ ઠેકાણે કપડાનો મોટો સ્ટોક હતો. તેથી આગ ઝડપભેર ફેલાઈ ગઈ હતી, જેમાં ઈમારતની પાર્કિંગમાં રહેલા 30 ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.
આગનો ભડકો ઊડયા બાદ મોટા પ્રમાણમાં ધુમાડો ઈમારતના ઉપરના માળા સુધી ફેલાઈ ગયો હતો. વહેલી સવારના ભર ઊંઘમાં રહેલા ઈમારતના રહેવાસીઓને શરૂઆતમાં આગની જાણ થઈ નહોતી. છેવટે સ્ફોટ જેવો અવાજ થયા બાદ અમુક રહેવાસીઓને તેની જાણ થઈ હતી અને તેઓએ અન્ય રહેવાસીઓના સાવધ કર્યા હતા, ત્યાં સુધીમાં આગ ઈમારતના બીજા અને ત્રીજા માળા સુધી ફેલાઈ ગઈ હતી.
આગ ઝડપભેર ફેલાઈ હતી એ સાથે જ નીકળતા ધુમાડાને કારણે ઉપરના માળે રહેલા રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ થવા માડી હતી. અનેક રહેવાસીઓ આવી પરિસ્થિતિમાં પણ ઈમારતમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. તો અમુક લોકો બિલ્ડિંગની અંદર જ ફસાઈ ગયા હતા. છેવટે ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને
ટેરેસ સહિત જુદા જુદા માળ પરથી રહેવાસીઓને બહાર કાઢ્યા હતા. જોકે ત્યાં સુધીમાં નાક મારફત ધુમાડો અંદર જવાને કારણે ગૂંગળામણ અને આગને કારણે દાઝી જવાથી જખમી થયેલાના હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ફરજ પર રહેલા ડૉકટરે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છ લોકોને મૃત જાહેર કર્યાં હતાં, જેમાં બે સગીર સહિત મહિલાઓનો સમાવેશ થાય છે. તો અન્ય એક જખમીનું સારવાર દરમિયાન મૃત્યુ થતા મૃત્યુઆંક સાત થયો હતો. તો પાંચ જખમીઓની હાલત ગંભીર હોઈ તેમના પર આઈસીયુમાં સારવાર ચાલી રહી છે.
મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે શુક્રવારે જણાવ્યું હતું કે આગની દુર્ઘટનામાં સાતેય લોકો દાઝવાથી નહીં પણ ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા.
જોગેશ્વરીમાં આવેલી એચબીટી ટ્રૉમા કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવેલા દર્દીમાંથી છના મોત થયા થયા હતા, જેમાં એક પુરુષ તો બે સગીર બાળકી સહિત પાંચ મહિલાનો સમાવેશ થાય છે. તો 12 જખમીઓ પર સારવાર ચાલી રહી છે. જુહુમાં આવેલી કૂપર હૉસ્પિટલમાં 15 લોકો પર સારવાર ચાલી રહી છે.
મૃતકના પરિવારને વડા પ્રધાનની બે લાખની સહાય
મુંબઈ: મુંબઈના ગોરેગાંવસ્થિત ઉન્નત નગર વિસ્તારમાં આવેલી જય ભવાની એસઆરએ ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં બે જણનું મોત થયું હોવા ઉપરાંત 40 જણ જખમી થયાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઈમારતમાં આગ લાગી હોવાની જાણ થતાં જ અગ્નિશમન દળના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને 30 નાગરિકને સલામત રીતે બહાર કાઢ્યા હતા.
પ્રાથમિક અહેવાલ મુજબ ઈમારતના પાર્કિંગ વિસ્તારમાં કાગળ અને કપડાંઓનો જથ્થો પડેલો હતો અને તેને કારણે આગ લાગી હતી, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું.
અસરગ્રસ્તોના પરિવારજનો પરત્વે તેમણે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને પ્રત્યેક મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.
રાજ્ય સરકારે કરેલી આ જાહેરાતને પગલે કેન્દ્ર સરકારે પણ મૃતકના તેમ જ ઘાયલોના પરિવારજનો માટે મદદની જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પરના સંદેશામાં ઘટનાના અસરગ્રસ્તો પરત્વે સંવેદના અને મૃતકો માટે શોક વ્યક્ત કરી તેમના માટે પ્રાર્થના કરી હતી. વડા પ્રધાનના રાહત ફંડમાંથી મૃતકના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી હતી.
મુખ્ય પ્રધાને જાહેર કરી પાંચ લાખની મદદ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે મુંબઈના ગોરેગામ વિસ્તારમાં નિવાસી ઈમારતની આગમાં થયેલાં મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારજનોને રૂ. પાંચ લાખની રકમ એક્સ-ગ્રેશિયા તરીકે આપવાની જાહેરાત કરી હતી. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે ઈજાગ્રસ્તોની સારવાર સરકારના ખર્ચે કરાવવામાં આવશે.
ગોરેગામ-પશ્ચિમની જય સંદેશ ઈમારતમાં આગ લાગી હતી, જેમાં સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 40 લોકો જખમી થયાં હતાં, એમ મુંબઈ મનપાનાં સૂત્રોએ જણાવ્યું હતું. ફાયર બ્રિગેડના અધિકારીઓએ એવી માહિતી આપી હતી કે ઈમારતની અગાશી પરથી તેમ જ વિવિધ માળેથી તેમણે 30 લોકોને ઉગારી લીધા હતા.
આ બનાવ અંગે શોક વ્યક્ત કરતા શિંદેએ `એક્સ’ પર લખ્યું હતું કે તેમણે મુંબઈ શહેરના પાલક પ્રધાન દીપક કેસરકર અને ઉપનગરના પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢાને ઘટનાસ્થળની મુલાકાત લેવાના નિર્દેશ આપ્યા છે.
અત્યારે દિલ્હીમાં રહેલા એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ બનાવ અત્યંત કમનસીબ છે અને હું મુંબઈ મનપાના કમિશનરના સંપર્કમાં છું.
ઈજાગ્રસ્તોને જોગેશ્વરીના ટ્રોમા સેન્ટર અને જુહુમાં આવેલી પાલિકા સંચાલિત કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.