રોહિત શર્મા મુદ્દે ટિપ્પણી વિવાદમાં મનસુખ માંડવિયાની પ્રતિક્રિયા, "શરમજનક જ નહિ દયનીય… | મુંબઈ સમાચાર
નેશનલ

રોહિત શર્મા મુદ્દે ટિપ્પણી વિવાદમાં મનસુખ માંડવિયાની પ્રતિક્રિયા, “શરમજનક જ નહિ દયનીય…

નવી દિલ્હી: કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પર કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસનાં નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર નિશાન સાધ્યું હતું. તેમણે વિપક્ષી નેતાઓના નિવેદનોને અત્યંત શરમજનક અને દયનીય ગણાવ્યા હતા.

મનસુખ માંડવિયાએ નિવેદનને ગણાવ્યું શરમજનક
કેન્દ્રીય રમત ગમત પ્રધાન મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “કોંગ્રેસ અને ટીએમસીએ ખેલાડીઓને એકલા છોડી દેવા જોઈએ કારણ કે તેઓ તેમના વ્યાવસાયિક જીવનને સંભાળવા માટે સંપૂર્ણ સક્ષમ છે. આ પક્ષોના નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ, બોડી શેમિંગમાં સામેલ થવું અને ટીમમાં રમતવીરના સ્થાન પર સવાલ ઉઠાવવા, અત્યંત શરમજનક જ નહીં પણ સંપૂર્ણ દયનીય પણ છે. આવી ટિપ્પણીઓ વૈશ્વિક મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે આપણા ખેલાડીઓ દ્વારા કરવામાં આવતી મહેનત અને બલિદાનને નબળી પાડે છે.

Also read: રોહિત શર્માના ટેસ્ટ કરિયરનો ધ એન્ડ! ટીમમાંથી પડતો મુકાનાર પહેલો કેપ્ટન બની શકે છે

કોંગ્રેસે ગણાવ્યો વ્યક્તિગત અભિપ્રાય
કોંગ્રેસે શમા મોહમ્મદના નિવેદનથી પોતાને દૂર કરી લીધું છે અને અને તેને વ્યક્તિગત અભિપ્રાય ગણાવ્યો છે. પાર્ટીના નેતા પવન ખેરાએ સ્પષ્ટતા કરી કે તેમની પાર્ટી હંમેશા ખેલાડીઓના યોગદાનને સૌથી વધુ સન્માન આપે છે. જોકે, ટીએમસી નેતા સૌગત રોયે પણ શમા મોહમ્મદના નિવેદનનું સમર્થન કર્યું અને રોહિત શર્માને કેપ્ટનશીપ પરથી હટાવવાની માંગ કરી.

બીસીસીઆઈના ઉપાધ્યક્ષ અને કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ પણ આ વિવાદ પર પ્રતિક્રિયા આપી. તેમણે રોહિત શર્માને ફિટ અને કાર્યક્ષમ ગણાવ્યો અને રમતમાં તેમના યોગદાનની પ્રશંસા કરી. રોહિત શર્મા વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ કોંગ્રેસે શમા મોહમ્મદને ઠપકો આપ્યો છે અને તેમને તેમની પોસ્ટ હટાવવા કહ્યું છે.

Back to top button