71% અકસ્માતો ફક્ત ઓવર સ્પીડના કારણે થાય છે
નવી દિલ્હી: દેશમાં પર્સનલ વ્હીકલની તો જાણે ભરમાર લાગી છે. આજના સમયમાં તમામના ઘરે પોતાના વાહનો હોય છે ત્યારે સૌથી મોટો પ્રશ્ર્ન તો એ છે કે લોકો વાહનો એકદમ આડેધડ અને ઓવર સ્પીડમાં ચલાવે છે જેના કારણે દર વર્ષે ઘણા માર્ગ અકસ્માત થાય છે અને લાખો લોકો મૃત્યુ પામે છે. રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય (MORTH)એ ગઇકાલે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં 71 ટકા અકસ્માતો ઓવર સ્પીડના કારણે થાય છે.
રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય અનુસાર વર્ષ 2022માં 72.4 ટકા માર્ગ અકસ્માતો ઓવર સ્પીડના કારણે અને 75 ટકાથી વધુ મૃત્યુ બીજા વાહનોને ઓવર ટેક કરવાના કારણે થયા છે. આ ઉપરાંત 50 હજારથી વધુ લોકો હેલ્મેટ ન પહેરવાના કારણે બાઇક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.
ત્યારે 16,715 લોકો કારમાં સીટ બેલ્ટ ન પહેરવાના કારણે મૃત્યુ પામ્યા હતા. MORTHના ડેટા પ્રમાણે વર્ષ 2022માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 4.61 લાખ માર્ગ અકસ્માતો નોંધાયા જેમાં 1.68 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 4.43 લાખ લોકો ઘાયલ થયા હતા, એટલે કે વર્ષ 2021 કરતા વધુ અકસ્માતો 2022માં થયા હતા.
જો આપણે આંકડાકીય માહિતી ચકાસીએ તો ગત વર્ષની સરખામણીએ વર્ષ 2022માં અકસ્માતોમાં 11.9 ટકાનો વધારો થયો છે. આ સિવાય મૃત્યુ દરમાં 9.4 ટકા અને ઘાયલોની સંખ્યામાં 15.3 ટકાનો વધારો થયો છે.
વર્ષ 2021માં 1.57 લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. જે સંખ્યા 2018 બાદ સૌથી વધુ છે. જો કે કોવિડ રોગચાળા દરમિયાન અકસ્માતોમાં ઘટાડો થયો હતો કારણ કે સરકારે મુસાફરી પર ઘણા પ્રતિબંધો લાગુ કર્યા હતા. જો કે વર્ષ 2018માં માર્ગ અકસ્માતોની સંખ્યા વધુ હતી. જો કે આ વર્ષે 4.70 લાખથી પણ વધુ અકસ્માતો થયા છે.
દેશમાં સૌથી વધુ અકસ્માતો તામિલનાડુમાં થયા છે. વર્ષ 2022માં 64,105 માર્ગ અકસ્માતો થયા હતા, જે કુલ અકસ્માતોના 13.9 ટકા છે. તમિલનાડુ બાદ મધ્યપ્રદેશમાં સૌથી વધુ 54,432 અકસ્માતો થયા છે, જ્યારે યુપીમાં 22,595 જેટલા અકસ્માતો નોંધાયા છે.