નેતાઓ સામેના કેસ ઝડપી ચલાવો
સુપ્રીમ કોર્ટનો હાઇ કોર્ટને આદેશ
નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે દેશના સાંસદો અને વિધાન-સભ્યોની સામેના પાંચ હજારથી વધુ પેન્ડિંગ (નિકાલ થયા વિના પડેલા) ફોજદારી કેસને ઝડપી ચલાવવા અને તેના પર સતત નજર રાખવા માટે ખાસ બૅન્ચ રચવાનો વડી અદાલતોને ગુરુવારે આદેશ આપ્યો હતો.
તેણે રાજકારણીઓ સામેના આવા ખટલા ચલાવતી ખાસ અદાલતોને યોગ્ય કારણ વિના સુનાવણી મુલતવી નહિ રાખવા પણ હુકમ કર્યો હતો.
સર્વોચ્ચ અદાલતે વડી અદાલતો, જિલ્લા ન્યાયાધીશો અને ખાસ અદાલતોને સાંસદો, વિધાનસભાના સભ્યો અને વિધાન પરિષદોના સભ્યો સામેના ફોજદારી કેસની સુનાવણીને પ્રાધાન્ય આપવાની સૂચના પણ આપી હતી.
દેશના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધીશ જે. બી. પારડીવાલા તેમ જ ન્યાયાધીશ મનોજ મિશ્રાની બૅન્ચે નીચેની અદાલતોને સંબંધિત આદેશ આપતા જણાવ્યું હતું કે સાંસદો અને વિધાનસભ્યોની સામેના ફોજદારી કેસ ઝડપી ચલાવવા માટે અને તેના પર નજર રાખવા માટે વડી અદાલતોના મુખ્ય ન્યાયાધીશે આપમેળે જ પગલાં લઇને ખાસ બૅન્ચ રચવી જોઇએ.
તેણે જણાવ્યું હતું કે અનેક સ્થાનિક પાસાં અને કારણને લીધે સર્વોચ્ચ અદાલત માટે દેશભરમાં આવા ખટલા ચલાવતી અદાલતો માટે સમાન માર્ગદર્શિકા ઘડવી મુશ્કેલ છે. બંધારણની કલમ ૨૨૭ હેઠળ વડી અદાલતોને પોતાના પ્રદેશની નીચેની બધી અદાલતોને આવા કેસ ઝડપી ચલાવવાની સૂચના આપવાનો અધિકાર અપાયો છે. વડી અદાલતોના મુખ્ય ન્યાયાધીશ કે અન્ય ન્યાયાધીશના નેતૃત્વ હેઠળની ખાસ બૅન્ચ આવા કેસ ઝડપી ચલાવવા જરૂર જણાય એમ સમયાંતરે વિવિધ પગલાં આપમેળે જ લઇ શકે છે. વડી અદાલત આવા કિસ્સામાં એડવોકેટ જનરલ કે સરકારી વકીલની મદદ લઇ શકે છે. આ ઉપરાંત, વડી અદાલત મુખ્ય જિલ્લા (પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ) અને સત્ર (સેશન્સ) ન્યાયાલયોની પાસે આવા ખટલાને લગતા અહેવાલ નિયમિત મગાવી શકે છે.
સર્વોચ્ચ અદાલતની બૅન્ચે સાંસદો અને વિધાનસભ્યોની સામેના જે ફોજદારી કેસમાં દેહાંતદંડ કે જનમટીપ થવાની શક્યતા હોય તેને ઝડપી ચલાવવા માટે પ્રાધાન્ય આપવું જોઇએ અને તે પછી જે ખટલામાં પાંચ વર્ષ કે તેનાથી વધુની જેલ થવાની સંભાવના હોય તેને હાથ ધરવા જોઇએ. ખાસ બૅન્ચે નેતાઓ સામેના અટકેલા એટલે કે જેમાં સ્થગિત આદેશ મળ્યો હોય, તેવા કેસના ઝડપી નિકાલ માટે પણ પગલાં લેવા જોઇએ. મુખ્ય જિલ્લા (પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ) અને સત્ર (સેશન્સ) ન્યાયાધીશે નિયુક્ત ખાસ અદાલતોને પૂરતી આંતરિક સુવિધા આપવી જોઇએ અને કેસ ઝડપી ચલાવવા અત્યાધુનિક ટૅક્નૉલૉજી અપનાવવી જોઇએ.
સર્વોચ્ચ અદાલતની બૅન્ચે જણાવ્યું હતું કે વડી અદાલતે સાંસદો અને વિધાનસભ્યો સામેના કેસની માહિતી જિલ્લા મુજબ ભેગી કરવા માટે પોતાની વેબસાઇટ પર અલગ ‘ટેબ’ રાખવું જોઇએ.
અશ્ર્વિની ઉપાધ્યાયે રાજકારણીઓ સામેના ફોજદારી કેસ ઝડપી ચલાવવા માટે વકીલ અશ્ર્વની દુબે દ્વારા જાહેર હિતની અરજી કરી હતી અને તેના સંબંધમાં સર્વોચ્ચ અદાલતે આ સૂચના આપી હતી.
અદાલતના સલાહકારે આપેલા ૨૦૨૨ની ૧૪ નવેમ્બર સુધીના આંકડા મુજબ દેશમાં રાજકારણીઓ સામે ૫,૧૭૫ ફોજદારી કેસ પેન્ડિંગ હતા અને તેમાંના ૨,૧૧૬ ફોજદારી કેસ પાંચ વર્ષ કરતાં વધુ સમયથી નિકાલ થયા વિના પડેલા છે અને નેતાઓ સામેના ફોજદારી કેસમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. (એજન્સી)