પાકિસ્તાનમાં ફરી સત્તા પલટાની અટકળો તેજ: શું અસીમ મુનીર બનશે આગામી રાષ્ટ્રપતિ?

ઇસ્લામાબાદ: ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં સત્તા પલટો થવાનો છે તેવા સમાચારો ફરી હેડલાઈન બની રહ્યા છે. તાજેતરમા જ પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓની બેઠકે સત્તા પરીવર્તનની અટકળોને હવા આપી છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર દેશના આગામી રાષ્ટ્રપતિ બની શકે છે.
શુ અસીમ મુનીર બનશે આગામી રાષ્ટ્રપતિ?
આ મહિનામાં આ ત્રીજી વાર એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અસીમ મુનીર પાકિસ્તાનના આગામી રાષ્ટ્રપતિ અને બિલાવલ ભુટ્ટો ઝરદારી પાકિસ્તાનના આગામી વડા પ્રધાન બની શકે છે. જોકે, ગયા અઠવાડિયે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ સમાચારોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા. મીડિયા અહેવાલ અનુસાર, ગઈકાલે ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે રાષ્ટ્રપતિ ઝરદારી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ શાહબાઝ શરીફને મળવા વડાપ્રધાન નિવાસસ્થાને પહોંચ્યા હતા. સતત બે મુલાકાતોએ ફરી એકવાર પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલની અટકળોને વેગ આપ્યો છે.

રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના રાજીનામાના સંકેત
પાકિસ્તાનમાં 27માં બંધારણિય સંશોધન થાય તેવો અંદાજ લગાવવામા આવી રહ્યો છે. તો બીજી તરફ પાકિસ્તાનના રક્ષા પ્રધાને પણ રાજનીતિમા થઈ રહેલા પરીવર્તનની ખબરોનુ ખંડન કર્યુ હતુ. જોકે, તેમણે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના રાજીનામાના સંકેત આપ્યા છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે અસીમ મુનીરના આગામી રાષ્ટ્રપતિ બનવાના સમાચાર સાચા સાબિત થઈ શકે છે.
શાહબાઝ શરીફે આપી અટકળો પર પ્રતિક્રિયા
ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે 11 જુલાઈના રોજ આ અટકળો પર પ્રતિક્રિયા આપી હતી. તેમનું કહેવું હતું કે, “રાષ્ટ્રપતિ ઝરદારી પોતાનું પદ છોડી રહ્યા નથી અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે પણ રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા વ્યક્ત કરી નથી. તેમનો આવો કોઈ પ્લાન નથી. આ સમાચારો માત્ર અફવા છે.”