
નવી દિલ્હી: કિરણ રાવ દિગ્દર્શિત અને આમિર ખાન પ્રોડક્શનની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ (Laapata Ladies)એ દર્શકોના દીલ જીતી લીધા છે. એવામાં આજે શુક્રવારે સાંજે સુપ્રીમ કોર્ટ (Supreme court) પરિસરમાં પણ લાપતા લેડીઝ બતાવવામાં આવશે. આ ફિલ્મના સ્પેશીયલ સ્ક્રિનિંગ દરમિયાન ભારતના ચીફ જસ્ટિસ સહિત સુપ્રીમ કોર્ટના તમામ જજ તેમના પરિવાર સાથે હાજર રહેશે. કોર્ટ સંકુલના 600 થી વધુ સ્ટાફને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ખાસ અવસર પર ફિલ્મના નિર્માતા કિરણ રાવ અને આમિર ખાન હાજર રહેશે.
સુપ્રીમ કોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ બતવવાનો વિચાર CJI ડી વાય ચંદ્રચુડ અને તેમની પત્ની કલ્પના દાસનો છે, કારણ કે સુપ્રીમ કોર્ટના 75માં વર્ષ પુરા થવા નિમિતે ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેની થીમ જાતીય સમાનતા રાખવામાં આવી છે. આ કારણોસર, લાપતા લેડીઝ ફિલ્મ પસંદ કરવામાં આવી હતી કારણ કે આ ફિલ્મમાં જાતીય સમાનતાના વિષય પર આધારિત છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, CJI ચંદ્રચુડે નિર્ણય લીધો છે કે આ ફિલ્મ રજિસ્ટ્રીના તમામ 2500 કર્મચારીઓને બતાવવામાં આવશે, જોકે, સુપ્રીમ કોર્ટના ઓડિટોરિયમની ક્ષમતા 650 છે. તેથી આગામી દિવસોમાં બાકી રહેલા સ્ટાફ માટે ફરીથી ફિલ્મ બતાવવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે.
આજના ફિલ્મ સ્ક્રિનિંગ દરમિયાન આમિર ખાન અને કિરણ રાવને પણ આમંત્રણ આપ્યું છે.