લો બોલો! આખેઆખું બસ સ્ટેન્ડ ગાયબ થઇ ગયું!
બેંગ્લુરૂમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બેંગ્લુરુ શહેરના કનિંગહામ વિસ્તારમાં અંદાજે 10 લાખ રૂપિયાના સરકારી ખર્ચે બનેલું આખેઆખું બસ સ્ટેન્ડ જ ગાયબ થઇ ગયું છે. બસ સ્ટેન્ડના નિર્માણને હજું 10 દિવસ જેટલો જ સમય થયો હતો અને નિર્માણ બાદ જ બસ સ્ટેન્ડ આ રીતે ગાયબ થઇ જતા સ્થાનિકોમાં પણ કૂતુહલ સર્જાયું છે.
નોંધનીય બાબત એ છે કે બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને ખુદ બસ સ્ટેન્ડ ગાયબ થવા અંગે જાણ નથી. બેંગ્લોરમાં BMTC બસ આશ્રયસ્થાનોના બાંધકામ માટે જવાબદાર કંપનીના સહયોગી વાઇસ પ્રેસિડેન્ટ એન રવિ રેડ્ડીએ બસ શેલ્ટર ગાયબ થયાના એક મહિના પછી 30 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે હવે આ મામલે ચોરીનો કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
જો કે બસ સ્ટેન્ડ ગાયબ થવાની આ પહેલવહેલી ઘટના નથી. આ અગાઉ પણ માર્ચમાં એચઆરબીઆર લેઆઉટ ખાતે ત્રણ દાયકા જૂનું બસ સ્ટેન્ડ રાતોરાત ગાયબ થઈ ગયું હતું. કલ્યાણ નગર ખાતેના બસ સ્ટેન્ડને 1990માં લાયન્સ ક્લબ દ્વારા દાનમાં આપવામાં આવ્યું હતું, એમ સ્થાનિક મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.