બોલો, મૂષકોએ રેલવેની કરી ઊંઘ હરામ, વીડિયો વાઈરલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ દેશના મહાનગરોની પાલિકા ઉંદરોના ત્રાસથી પરેશાન છે, જ્યારે રેલવે તેનાથી તોબા પોકારી રહ્યું છે. એક્સપ્રેસ ટ્રેનમાં જ નહીં, પરંતુ પેન્ટ્રી કારમાં ઉંદરોનો ત્રાસ વધ્યો છે અને તેનો જીવતું જાગતું ઉદાહરણ મધ્ય રેલવેની ટ્રેનમાં જોવા મળ્યું હતું. મધ્ય રેલવેની એલટીટી-મડગાંવ એક્સપ્રેસની પેન્ટ્રી કારમાં મૂષકોની દોડાદોડી કરતા જોવા મળ્યા હતા, જ્યારે વીડિયો વાઈરલ થયા પછી લોકોએ રેલવેની રીતસરની ઝાટકણી કાઢી હતી.
એક યૂઝરે તો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો અને વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું સેફ જર્ની તો મિલ નહીં રહા હૈ, એક્સિડન્ટ હો રહા હૈ. એટ લિસ્ટ ટ્રાય ટૂ પ્રોવાઈડ સેફ ફૂડ. આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા પછી અનેક યૂઝરે રેલવેની ટીકા કરી હતી.
આ બનાવ અંગે રેલવેએ જણાવ્યું હતું કે આ 14મી ઓક્ટોબરનો રાતના 12 વાગ્યાની આસપાસ બનાવ બન્યો હતો. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયો એલટીટી-મડગાંવ એક્સપ્રેસ (11099)ની પેન્ટ્રી કારનો છે. આ વીડિયોમાં બે ઉંદર પેન્ટ્રી કારમાં વાસણમાં ફરતા જોવા મળે છે. જોકે, આ બનાવની ગંભીર નોંધ લઈને કેસ નોંધ્યો હતો તથા સંબંધિત લોકો સામે કાર્યવાહી કરવાની હૈયાધારણ આપી હતી.
એલટીટી ટર્મિનસ ખાતે લેખિત ફરિયાદ પછી સ્ટેશન માસ્ટર દ્વારા આ ટ્રેનનું ઈન્પેક્શન કરવામાં આવ્યું હતું. એલટીટી રેલવે સ્ટેશનમાં પાર્ક કરવામાં આવેલી ટ્રેનમાં સફાઈ કરવાની સાથે પેસ્ટકંટ્રોલ પણ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે ટ્રેનમાં પેન્ટ્રીકારના લાઈસન્સધારક સામે કાર્યવાહી કરવામાં આવી છે. હાલના તબક્કે તપાસ હાથ ધરવામાં આવી છે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.