કાંગ્રેસમાં ફરી જોડાશે સપાના આ વરિષ્ઠ નેતા…

લખનઉ: લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં સપાને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ રવિ પ્રકાશ વર્માએ સપામાંથી રાજીનામું આપી દીધું છે. યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે આ વાતની પુષ્ટિ કરી હતી કે રવિ પ્રકાશ વર્મા અને તેનો પરિવાર હવે કાંગ્રેસમાં જોડાશે. વર્મા ખેરી બેઠક પરથી ત્રણ વખત લોકસભાના અને એક વખત રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેમજ વર્માના માતા-પિતા સહિત તેમના પરિવારે 10 વખત ખેરી લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે.
સપા પ્રમુખ અખિલેશ યાદવને લખેલા પત્રમાં વર્માએ કહ્યું હતું કે પાર્ટીમાં અત્યારે એકદમ વિખરાયેલું વાતાવરણ છે અને તેના કારણે થઇને તેઓ લોકો માટે કંઇ કામ કરી શકતા નથી. અને આથી તેઓ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યા છે. રાજ્યમાં અન્ય પછાત વર્ગોનો અવાજ તરીકે રવિ વર્માને ઓળકવામાં આવે છે. તેઓ સપાના રાષ્ટ્રીય મહાસચિવ પણ રહી ચૂક્યા છે. 1998, 1999 અને 2004 લોકસભા ચૂંટણીમાં લખીમપુર ખેરી સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટાયા ત્યારબાદ તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા.
વર્મા 6 નવેમ્બરના રોજ કોંગ્રેસના રાજ્ય એકમના વડા અજય રાયની હાજરીમાં પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. આ ઉપરાંત રવિ પ્રકાશ વર્માએ જણાવ્યું હતું કે આ કોઇ નવી પાર્ટીમાં જોડાવાની વાત નથી પરંતુ હું ફરી મારા મૂળ સ્થાને પરત ફરી રહ્યો છું.
રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે દિગ્ગજ નેતાઓમાં રવિ પ્રકાશની ઓળખ છે. તેમના કોંગ્રેસ પક્ષમાં જોડાવાની અસર માત્ર ખેરી જ નહીં પરંતુ ધૌરહરા, સીતાપુર, બરેલી, પીલીભીત, શાહજહાંપુર બારાબંકી વગેરે જેવા લોકસભા મતવિસ્તારો પર પણ પડશે.
નોંધનીય છે કે રવિ પ્રકાશ વર્માના પિતા બાલ ગોવિંદ વર્માએ 1962, 1967, 1972 અને 1980માં કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીતી હતી. 1980 માં તેમના મૃત્યુ પછી, તેમની પત્ની ઉષા વર્માએ 1980, 1984 અને 1989માં કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીતી હતી.



