લખનઉ: આવનારી લોકસભા ચૂંટણીમાં NDAને હરાવવાના ઉદ્દેશ્યથી રચાયેલું વિપક્ષી દળોનું INDIA ગઠબંધન સીટ શેરીંગ અંગે મુશ્કેલનો સામનો કરી રહ્યું છે. પશ્ચિમ બંગાળ અને પંજાબ બાદ ઉતર પ્રદેશમાં પણ સીટ શેરીંગ મુદ્દે અસહમતી જોવા મળી રહી છે. INDIA ગઠબંધન હેઠળ 17 બેઠકો પર ચૂંટણી લડવાના સમાજવાદી પાર્ટીના(સપા)ના પ્રસ્તાવ પર કોંગ્રેસે સોમવારે કોઈ જવાબ મોકલ્યો ન હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર સીટોની વહેંચણી ફાઈનલ ન હોવાથી સપા પ્રમુખ અખિલેશ યાદવે રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. તેઓ મંગળવારે રાયબરેલીમાં યાત્રામાં સામેલ થવાના હતા. અખિલેશ યાદવે સોમવારે મીડિયાના સવાલોના જવાબમાં કહ્યું કે જ્યાં સુધી સીટોની વહેંચણી નહીં થાય ત્યાં સુધી સપા ન્યાય યાત્રામાં ભાગ લેશે નહીં.
સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને ગઠબંધન હેઠળ 17 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અગાઉ, સપાએ કોંગ્રેસને 11 બેઠકો પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના કારણે બંને પક્ષો વચ્ચે અસહમતી જોવા મળી હતી. સોમવારે સપા પ્રમુખ અખિલેશ યાદવે કોંગ્રેસ માટે 17 લોકસભા સીટો છોડવાનો નિર્ણય કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સપાએ અમેઠી, રાયબરેલી, બારાબંકી, સીતાપુર, કૈસરગંજ, વારાણસી, અમરોહા, સહારનપુર, ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, બુલંદશહર, ફતેહપુર સીકરી, કાનપુર, હાથરસ, ઝાંસી, મહારાજગંજ અને બાગપત સીટો કોંગ્રેસને આપી છે.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સપા તરફથી 17 બેઠકોનો પ્રસ્તાવ મળ્યો છે, જોકે પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી નથી. નોંધનીય છે કે આ પહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે 11 બેઠકોના પ્રસ્તાવ પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. જે બાદ સપાએ નવેસરથી બેઠકોની પસંદગી કરી છે અને કોંગ્રેસ નેતૃત્વને યાદી મોકલી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને