
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય દક્ષિણ ભારતના પ્રવાસે છે. આ પ્રવાસના ભાગરૂપે વડા પ્રધાન 16 અને 17 જાન્યુઆરીએ આંધ્રપ્રદેશ અને કેરળની મુલાકાત લેશે. આ સમય દરમિયાન તે કોચીન શિપયાર્ડ લિમિટેડ(CSL)માં ન્યુ ડ્રાઈ ડોક અને ઇન્ટરનેશનલ શિપ રિપેર ફેસિલિટી (ISRF)નું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, વડા પ્રધાન મંગળવારે આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાઈ જિલ્લાના પલાસમુદ્રમ ખાતે નેશનલ એકેડમી ઓફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ (NACIN)ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. વડા પ્રધાન બીજા દિવસે એટલે કે બુધવારે કેરળ પહોંચશે. અહીં તેઓ ગુરુવાયૂર અને ત્રિપ્રયાર રામાસ્વામી મંદિરમાં પૂજા કરશે.
પીએમઓએ એમ પણ કહ્યું કે બંદરો, શિપિંગ અને જળમાર્ગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે, વડા પ્રધાન કોચીમાં રૂ. 4,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) ના એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન પણ સામેલ છે.