બિહારમાં આરજેડી અને જેડીયુ વચ્ચેના સંબંધોમાં ખટાશ ઇન્ડિયા ગઠબંધનને……
પટણાઃ 2024માં લોકસભાની ચૂંટણી છે, જે માટે દરેક પક્ષોએ અત્યારથી જ કમર કસવા માંડી છે. કેન્દ્રની વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારને શાસન પરથી હટાવવા માટે દેશભરના વિપક્ષો ઇન્ડિયા ગઠબંધનના નામ હેઠળ એક થઇ ગયા છે. ચૂંટણીનો તેમનો એક માત્ર મુદ્દે છે કે મોદી સરકારને સત્તામાંથી હટાવવી. જોકે, 28 પક્ષોના શંભુમેળા જેવા ઇન્ડિયા ગઠબંધન માટેની રાહ આસાન નથી. અહીં તો એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે.
આપણે બિહારથી જ વાત કરીએ તો બિહારમાં RJD અને JDU વચ્ચે સીટ વહેંચણીની ફોર્મ્યુલાને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ગઠબંધનની મુશ્કેલીઓ વધી ગઈ છે. મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં પ્રાદેશિક પક્ષો કોંગ્રેસને મહત્વ આપી રહ્યાં નથી. બીજી તરફ આમ આદમી પાર્ટીએ દિલ્હી, હરિયાણા અને ગુજરાતમાં સીટોની વહેંચણીને જટિલ બનાવી દીધી છે. ગઠબંધનની આગામી બેઠક પહેલા રવિવાર સુધીમાં સીટ શેરિંગ સંબંધિત ફોર્મ્યુલા પર સહમતિ બની જવી જોઈતી હતી, પરંતુ ગઠબંધન આ દિશામાં એક ડગલું પણ આગળ વધી શક્યું નથી. આ મામલે બિહારના નીતીશ કુમારની ગેમ સમજવા જેવી છે. લલન સિંહને કાઢીને રાષ્ટ્રીય અધ્યક્ષ પદે બિરાજેલા નીતીશ કુમાર મહાગઠબંધનના નેતા તરીકે પોતાનો દાવો કરવા માગે છે. પોતાના દાવાને મજબૂત કરવા નીતીશે જાતિગણનાની ચાલ ચાલી છે, પણ તેમની રાહમાં મમતા બેનરજીએ કાંટાળી વાડ બિછાવી છે. આ મહિને યોજાયેલી ગઠબંધનની બેઠકમાં ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ ગઠબંધનના નેતા તરીકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાજુન ખડગેનું નામ આગળ કર્યું હતું.
આરજેડીની રણનીતિ નીતીશને મહાગઠબંધનના સંયોજક બનાવી તેજસ્વી યાદવના નેતૃત્વમાં બિહારમાં સરકાર બનાવવાની હતી. આ માટે આરજેડીએ લલન સિંહનો દાણો ચાંપ્યો હતો, પણ નીતીશ કુમારે તેમને જેડીયુ પ્રમુખ પદેથી હટાવી આરજેડીને ઝટકો આપ્યો હતો. નીતીશ બિહારના સીએમ રહીને મહાગઠબંધનના નેતા બનવાની યોજના ધરાવે છે. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ નીતિશે દેશવ્યાપી પ્રવાસનું આયોજન કરીને મહાગઠબંધનના નેતા તરીકે પોતાનો મજબૂત દાવો રજૂ કર્યો છે. આરજેડીએ લલનસિંહ સાથે મળીને તેજસ્વીનો રાજ્યાભિષેક અને જેડીયુને તોડવાનું કાવતરું કર્યું હતું. તેથી હવે દેખીતી રીતે જ આરજેડી અને જેડીયુ વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે.
હવે ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો ગઠબંધન કેટલું કાયમી છે તે સીટ શેરિંગની ફોર્મ્યુલા બહાર આવ્યા બાદ જ ખબર પડશે. તાજેતરની સ્થિતિ એવી છે કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથની શિવસેના, પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી, બિહારમાં આરજેડી-જેડીયુ, દિલ્હી-પંજાબમાં આપ અને ઉત્તર પ્રદેશમાં સપા કોંગ્રેસને કોઈ સમર્થન આપવાના મૂડમાં નથી. બિહારમાં ગઠબંધનનો વ્યાપ ઘણો મોટો હોવાથી RJD-JDU કોંગ્રેસને બે-ત્રણ બેઠકો આપવા માંગે છે, મમતા બેનર્જી બંગાળમાં બે-ત્રણ બેઠકો આપવા માંગે છે અને AAP દિલ્હી- પંજાબમાં કોંગ્રેસને એટલી જ બેઠકો આપવા માંગે છે. સમસ્યા એ છે કે AAP ઈચ્છે છે કે કોંગ્રેસ હરિયાણા અને ગુજરાતમાં તેના માટે મોટું દિલ બતાવે. મમતા પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોને એક પણ બેઠક આપવા માગતી નથી. આવી સ્થિતિમાં સીટોની વહેંચણીની ફોર્મ્યુલા પર સર્વસંમતિ સધાય તેમ લાગતું નથી.