SOPAએ શા માટે કર્યો એડિબલ ઓઈલની આયાત જકાત ઓછી કરવાનો અનુરોધઃ જાણો વિગતવાર

નવી દિલ્હી: સ્થાનિક પ્રોસેસર ઉદ્યોગનાં સંગઠન સોયાબીન પ્રોસેસર્સ ઑફ ઈન્ડિયા (સોપા)એ સ્થાનિકમાં દેશી તેલીબિયાં અને તેલનાં ઘટતા ભાવને રોકવા અને ખેડૂતોને ટેકો આપવાની સાથે પાક લેવા માટે પ્રોત્સાહન મળે તે માટે તાજેતરમાં સરકારને ખાદ્યતેલ પરની આયાત જકાતમાં ઓછામાં ઓછો 10 ટકા સુધીનો ધારો કરવા માટે અનુરોધ કર્યો છે. કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને પાઠવેલા આવેદનપત્રમાં સોપાનાં ચેરમેન દેવીશ જૈને જણાવ્યું હતું કે સસ્તી આયાત અને સ્થાનિકમાં દબાણ હેઠળ રહેલા તેલીબિયાંના ભાવને કારણે ખેડૂતોમાં તેલીબિયાંનો પાક લેવામાં ઉત્સાહ નથી રહેતો. આથી અમે તમને કસ્ટમ ડ્યૂટીના માળખામાં હસ્તક્ષેપ કરીને આયાત ડ્યૂટી ઓછામાં ઓછી 10 ટકા સુધી વધારવા અનુરોધ કરીએ છે.
ખેડૂતોને તેલીબિયાના નીચા ભાવ મળી રહ્યા હોવાથી તેઓનો પાક લેવામાં નિરુત્સાહ રહેતાં આ વર્ષે દેશમાં સોયાબીનનો વાવેતર વિસ્તાર પાંચ ટકા જેટલો ઘટ્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વર્તમાન સમગ્ર માર્કેટિંગ મોસમમાં સોયાબીનના ભાવ લઘુતમ ટેકાના ભાવ કરતાં નીચી સપાટીએ રહ્યા હોવાથી સરકારને પ્રાપ્તિ પ્રક્રિયા હાથ ધરવા ફરજ પડી હતી. ગત મે મહિનામાં સરકારે સ્થાનિક રિફાઈનિંગને પ્રોત્સાહન આપવા અને ફુગાવો અંકુશમાં રાખવા માટે ક્રૂડ સોયાબીન સહિતનાં ક્રૂડ ખાદ્યતેલ પરની આયાત જકાત જે 20 ટકા હતી તે ઘટાડીને 10 ટકા કરી હતી. જોકે, રિફાઈન્ડ ખાદ્યતેલ પરની જકાત 35.75 ટકાની સપાટીએ યથાવત્ રાખી હતી.
સોપાના મતાનુસાર સરકારી પ્રાપ્તિ પછી પણ નુકસાની કરીને સ્ટોક હળવો કરવો પડ્યો હતો. વધુમાં વર્તમાન પાકની સ્થિતિને ધ્યાનમાં લેતા સરકાર આ વર્ષે પણ સોયાબીનની પ્રાપ્તિ કરવી પડશે જેનો રૂ. 5000 કરોડ કરતાં વધુ ખર્ચ થશે. વધુમાં હાલ સોયાબીન તેલના ભાવ નીચી સપાટીએ રહે તેમ હોવાથી ફુગાવા પર તેની અસર નહીં પડે. સાથે સાથે ગ્રાહકોના હિતનું સમતુલન પણ જરૂરી છે. ગ્રાહકો સામાન્ય વળતરદાયી ભાવ ચુકવવા તૈયાર હોય છે. આથી જો સ્થાનિકમાં તેલીબિયાંના ઉત્પાદનમાં વધારો થાય તો આયાત નિર્ભરતામાં પણ ઘટાડો થશે, એમ એસોસિયેશને યાદીમાં ઉમેર્યું હતું.
વધુમાં સોપાએ દલીલ કરતાં જણાવ્યું હતું કે લાંબા સમયગાળા સુધી શૂન્ય અને અથવા તો નીચી આયાત જકાતથી થતી આયાતને કારણે સ્થાનિકમાં સમગ્ર દેશનાં તેલના અર્થતંત્ર પર માઠી અસર પડતી હોય છે. આથી સરકારે ગ્રાહકોના હિત જાળવવાની સાથે ખેડૂતોનાં હિતની રક્ષા કરવા માટે તાકીદના ધોરણે આયાત જકાતમાં વધારો કરવો જરૂરી હોવાનું આવેદનમાં ઉમેર્યું હતું
આ પણ વાંચો…..ખાદ્ય તેલ પર આયાત જકાતમાં વધારાને કારણે, દૈનિક વપરાશ યોગ્ય ઉત્પાદનો મોંઘા: ઘરના બજેટ પર અસર