
સમગ્ર દેશમાં અને સંસદમાં જે બિહારની ચૂંટણી અને મતદાર યાદીનો મામલો ગરમાયો છે, એ બિહારના દરભંગાનો એક વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયો જોઈને કોઈનું પણ હૃદય ઉકળી ઊઠે તેમ છે. પિતા વિનાના ત્રણ સંતાનની વ્યથા બિહારની જ નહીં દેશની ગરીબ પ્રજાની ખરી વ્યથાની ચાડી ખાય છે. સરકારી યોજનાઓની ભરમાર વચ્ચે બે ટંકની રોટલી અને પાયાના શિક્ષણથી વંચિત આવા કેટલાય બાળકો છે જેના વીડિયો બનતા નથી, પરંતુ તેમનું જીવન અંધકારોથી ભરેલું છે.
આ વીડિયોમાં એક 12-13 વર્ષનો છોકરો સાયકલ પર જઈ રહ્યો છે અને તેની પાછળ તેનો નાનો ભાઈ બેઠો છે. બન્નેએ હાથમાં ભારતના ઝંડા છે. એક બ્લોગર તેને જ્યારે પૂછે છે ત્યારે છોકરો જે કહે છે તે ખૂબ નિરાશાજનક છે. છોકરો કહે છે કે પિતાજીનું મોત થઈ ગયુ છે. માતા મુંબઈમાં રહી સાફસફાઈનું કામ કરે છે. મોટી બહેન ઘરે રહી ઘર સંભાળે છે અને આ ભાઈ ટોપી બનાવતી ફેક્ટરીમાં કામ કરે છે. જોકે મોટો ભાઈ કહે છે કે મારુ તો ભણવાનું છૂટી ગયું, પણ હું નાના ભાઈને ગમે તે હાલમાં ભણાવીશ, તેની સ્કૂલ છૂટવા નહીં દઉં.
ये कहानी है दरभंगा के दो भाइयों की। गरीबी के कारण बड़े भाई को पढ़ाई छोड़नी पड़ी, लेकिन उसने अपने छोटे भाई को पढ़ाने की ठान ली है। दोनों के हाथों में तिरंगा और आंखों में बड़े सपने हैं। ये वीडियो दिखाती है कि कैसे परिवार का प्यार हर मुश्किल से लड़ना सिखाता है।#Darbhanga… pic.twitter.com/IKSjA8pMLw
— Vivek Muskan pandit (@vivekmp97) August 14, 2025
આ વીડિયો વાયરલ થયા બાદ ઘણાએ પ્રતિક્રિયા આપી છે, પરંતુ અભિનેતા સોનૂ સૂદે તેમની સમસ્યાનો હલ શોધી લીધો છે. સોનૂએ લખ્યું છે, નંબર મોકલી રહ્યો છું. તમારું સ્કૂલબેગ પેક કરો, સોમવારથી તમે બન્ને સ્કૂલે જશો. સોનૂની આ દરિયાદિલી નવી નથી. કોરોનાકાળથી સોનૂ સૂદનો આ દયાવાન ચહેરો દેશના લોકોએ જોયો છે અને તેને ભરી ભરીને પ્રેમ અને પ્રશંસા પણ આપ્યા છે.
જોકે સવાલ એ છે કે સોનૂ કેટલા બાળકોની વ્હારે આવશે. પોતાના રાજ્યના બાળકોને પાયાનું શિક્ષણ આપવાની જવાબદારી રાજ્ય સરકારોની હોય છે અને દરેક રાજ્ય એટલું તો સમૃદ્ધ છે જે પ્રાથમિક શિક્ષણ આપી શકે. બાળકોને સરકારી સ્કૂલમાં મફત પ્રવેશ અને એક ટંકનું ખાવાનું તો મળી જાય છે, પરંતુ આ સિવાયના ઘણા ખર્ચ કરવાના રહે છે. વળી આ પ્રકારનું ઘરનું વાતાવરણ હોય ત્યારે બાળકો પણ શિક્ષણથી દૂર થઈ જતા હોય છે. આ બાળકે પોતાના ભાઈને ભણાવવાની જે ઈચ્છા દર્શાવી તે જોતા લાગે છે કે સોનૂની મદદ તેની માટે આશીર્વાદ સાબિત થશે.
આપણ વાંચો: મથુરામાં જન્માષ્ટમી ઉજવણીમાં સીએમ યોગી સામેલ થશે, શહેર લશ્કરી છાવણીમાં તબદીલ