
નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ED એ ચાર્જશીટમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ ચીફ સામ પિત્રોડાના નામનો સમાવેશ કર્યો છે. કોર્ટે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.
કોંગ્રેસ નેતાઓની મુશ્કેલીઓ વધી શકે છે
પ્રાપ્ત વિગતો અનુસાર EDએ કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગ કેસમા ચાર્જશીટ દાખલ કરી છે. સોનિયા અને રાહુલ ગાંધી સિવાય ચાર્જશીટમા સામ પિત્રોડા, સુમન દુબેના નામનો પણ સમાવેશ છે. સ્પેશિયલ જજ વિશાલ ગોગને 9 એપ્રિલે દાખલ કરાયેલ ચાર્જશીટની તપાસ કરી અને કેસમાં આગળની કાર્યવાહી અથવા સુનાવણી માટે 25 એપ્રિલની તારીખ નક્કી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મામલે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય નેતાઓની મુશ્કેલીઓ વધી શકે છે.
આ પણ વાંચો: National Herald Case: કોંગ્રેસે દેખાડો કરવા ખાતર નેશનલ હેરાલ્ડ ન્યૂઝ ઓપરેશન ફરીથી લોન્ચ કર્યું, EDનો આરોપ
કોંગ્રેસે કહ્યું આ “બદલાની ભાવના”
આ અંગે કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટર પરની એક પોસ્ટમાં લખ્યું છે કે ‘નેશનલ હેરાલ્ડની સંપત્તિ જપ્ત કરવી એ કાયદાના શાસનનો ઢોંગ કરીને રાજ્ય પ્રાયોજિત ગુનો છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કેટલાક અન્ય લોકો સામે ચાર્જશીટ દાખલ કરવી એ વડા પ્રધાન અને ગૃહમંત્રી તરફથી બદલાની રાજનીતિ અને ધમકી સિવાય બીજું કંઈ નથી. જોકે, કોંગ્રેસ અને તેનું નેતૃત્વ ચૂપ રહેશે નહીં. સત્યમેવ જયતે.
શું છે આ સમગ્ર વિવાદ?
નેશનલ હેરાલ્ડ કેસની શરૂઆત વર્ષ 2012 માં થઈ હતી કે જ્યારે ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીની એક કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની મિલકતો છેતરપિંડી અને અપ્રમાણિકતાથી હસ્તગત કરી હતી. AJL એ નેશનલ હેરાલ્ડ અખબારની પ્રકાશન કંપની છે, જેની સ્થાપના 1938 માં જવાહરલાલ નેહરુ અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા કરવામાં આવી હતી. હવે EDએ આ કેસમા ચાર્જશીટ દાખલ કરી છે.