સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખરગે અયોધ્યા જશે? કાર્યક્રમ માટે રામ મંદિર ટ્રસ્ટે મોકલ્યું આમંત્રણ

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને સોનિયા ગાંધીને અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળ્યું છે. આ કાર્યક્રમ 22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં યોજાનાર છે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેઓ પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા-વિધી કરશે. ખરગે, સોનિયા ગાંધી ઉપરાંત લોકસભાના કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને પણ શ્રી રામજન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જોકે આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા સામેલ થશે કે નહીં તે અંગે કોઇ જાણકારી મળી નથી.
મલ્લિકાર્જુન ખરગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીને વ્યક્તિગત આમંત્રણ મોકલવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ કાર્યક્રમ માટે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંગ અને દેવેગૌડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ટ્રસ્ટ સાથે સંકળાયેલા પદાધિકારીઓએ આ આમંત્રણ આપ્યું છે. આવનારા કેટલાંક દિવસોમાં વિરોધી પક્ષના અન્ય નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવે તેવી શક્યતાઓ છે.
ટ્રસ્ટે કહ્યું કે, વિવિધ પરંપરાના પૂજ્ય સંત તથા દરેક ક્ષેત્રમાં દેશના સન્માન માટે યોગદાન આપનારા તમામ પ્રમુખ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. અહીં ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં છ રસોડા અને દસ બેડ ધરાવતી હોસ્પિટલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં આખા દેશના 150 તબીબો રોટેશનમાં ફરજ બજાવશે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે વિવિધ પંથના લગભગ 4 હજાર સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે એમ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.