મનરેગાનું નામ બદલવા મુદ્દે સોનિયા ગાંધીના સરકાર પર આકરા પ્રહારો: કહ્યું – ગરીબોના અધિકાર પર બુલડોઝર ચલાવાયું

નવી દિલ્હી: મનરેગાનું નામ બદલવા મુદ્દે રાજકીય ઘમાસાણ મચી ગયું છે. કોંગ્રેસ આ મુદ્દે કેન્દ્ર સરકાર પર માછલાં ધોઈ રહી છે. ત્યારે હવે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ‘મનરેગા બચાવો સંગ્રામ’ અંતર્ગત એક વીડિયો સંદેશ જાહેર કરીને કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર મનરેગા કાયદાને નબળો પાડી રહી છે અને ગરીબોના આ અધિકાર પર ‘બુલડોઝર’ ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે આ ફેરફારોને ગરીબો, બેરોજગારો અને વંચિતોના હિતો પર સીધો હુમલો ગણાવ્યો છે.
વીડિયોમાં સોનિયા ગાંધીએ યાદ અપાવ્યું હતું કે, ૨૦ વર્ષ પહેલાં ડો. મનમોહન સિંહના નેતૃત્વવાળી સરકારમાં મનરેગા કાયદો સંસદમાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. તેમણે આ કાયદાને એક ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું, જેણે ગ્રામીણ પરિવારોનું સ્થળાંતર રોક્યું અને કરોડો લોકોને રોજગારીનો કાયદેસરનો હક આપીને ગ્રામ્ય અર્થતંત્રને તાકાત આપી હતી. સોનિયા ગાંધીએ ખેદ વ્યક્ત કર્યો કે છેલ્લા ૧૧ વર્ષમાં મોદી સરકારે વિપક્ષ સાથે કોઈ પણ પરામર્શ કર્યા વિના મનસ્વી રીતે આ કાયદામાં ફેરફાર કરીને તેને કચડી નાખવાનું કામ કર્યું છે.
તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, મનરેગામાંથી માત્ર મહાત્મા ગાંધીનું નામ જ હટાવવામાં આવ્યું નથી, પરંતુ તેની મૂળભૂત રોજગાર ગેરંટીને પણ ખતમ કરી દેવામાં આવી છે. નવા ફેરફારો મુજબ હવે કોને, ક્યાં અને કેટલી રોજગારી મળશે તે જમીની હકીકતથી દૂર દિલ્હીમાં બેસીને નક્કી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે મનરેગા એ માત્ર કોંગ્રેસનો એજન્ડા નથી, પરંતુ દેશહિત અને જનહિતનો મુદ્દો છે. સરકાર કાળો કાયદો લાવીને કરોડો ખેડૂતો અને ભૂમિહીન મજૂરો પર હુમલો કરી રહી છે, જેનો મક્કમતાથી તેઓ અને કોંગ્રેસ સામનો કરશે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા ૧૦ જાન્યુઆરીથી ૨૫ ફેબ્રુઆરી સુધી ૪૫ દિવસનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘મનરેગા બચાવો સંગ્રામ’ ચલાવવામાં આવી રહ્યું છે. પાર્ટીનો દાવો છે કે સરકારે મનરેગાના સ્થાને ‘વિકસિત ભારત- ગ્રામીણ રોજગાર અને આજીવિકા મિશન’ (VB-G RAM G) નામનો નવો કાયદો લાવીને રોજગારની ગેરંટી છીનવી લીધી છે. આ અભિયાન અંતર્ગત કોંગ્રેસ પંચાયત સ્તરે જાગૃતિ, શાંતિપૂર્ણ ધરણા અને આગામી સમયમાં વિધાનસભા ઘેરાવ જેવા કાર્યક્રમો યોજીને સરકારના આ નિર્ણયનો વિરોધ કરશે.
આપણ વાંચો: ભારતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X થયું ડાઉન, યૂઝર્સ પરેશાન



