"માતૃત્વ યોજના'માં ફાળવ્યું ઓછું બજેટ, રાજ્યસભામાં સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર તાક્યું નિશાન... | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

“માતૃત્વ યોજના’માં ફાળવ્યું ઓછું બજેટ, રાજ્યસભામાં સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર તાક્યું નિશાન…

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ આજે રાજ્યસભામાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના પર પોતાનાં વિચારો રજૂ કર્યા. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર પર આ યોજના માટે ઓછું બજેટ ફાળવવાનો આરોપ લગાવ્યો હતો. સોનિયા ગાંધીએ સૂચન કર્યું કે ગર્ભવતી મહિલાઓને આ યોજના હેઠળ આપવામાં આવતા નાણાકીય લાભોની સંપૂર્ણ રકમ પૂરી પાડવી જોઈએ.

સોનિયા ગાંધીએ કર્યા આકરા સવાલ

રાજ્યસભામાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ બુધવારે કેન્દ્ર સરકારને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY)ને ઓછા બજેટની ફાળવણી મુદ્દે આકરા સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે માતૃત્વ યોજના માટે ફાળવવામાં આવેલા બજેટ ખૂબ ઓછું છે જેના કારણે આ યોજનાના લાભાર્થીઓને તેમના અધિકારોની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા સોનિયા ગાંધીએ કહ્યું કે યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. તેમણે કેન્દ્ર સરકારને પણ પૂછ્યું કે આવું કેમ થવા દેવામાં આવ્યું?

માત્ર 5,000 રૂપિયાની સહાય

આગળ તેમણે કહ્યું હતું કે વર્ષ 2013માં વડા પ્રધાન મનમોહન સિંહના નેતૃત્વમાં સંસદ દ્વારા પસાર કરાયેલ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ, સગર્ભા સ્ત્રીઓ 6,000 રૂપિયાના પ્રસૂતિ લાભ માટે હકદાર હતી. તેમણે કહ્યું કે આ અધિકાર 2017 માં PMMVY હેઠળ લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે PMMVY હેઠળ પહેલા બાળક માટે ફક્ત 5,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે અને આ લાભ ફક્ત ત્યારે જ આપવામાં આવે છે જો બીજું બાળક દીકરી હોય.

આ પણ વાંચો : મને લોકસભામાં બોલવા દેવામાં આવતો નથીઃ રાહુલ ગાંધી, અધ્યક્ષે વિપક્ષ નેતાને કરી આ ટકોર

સફળ અમલીકરણ માટે 12,000 કરોડની જરૂર

ઉપરાંત સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું કે વર્ષ 2022-23 માં લગભગ 68 ટકા ગર્ભવતી મહિલાઓને પહેલા બાળક માટે PMMVYનો એક હપ્તો મળ્યો હતો, પરંતુ બીજા વર્ષે આ સંખ્યા ઘટીને માત્ર 12 ટકા થઈ ગઈ હતી. તેમણે પ્રશ્ન કર્યો કે સરકારે આવું કેમ થવા દીધું. તેમણે કેન્દ્રીય બજેટ દસ્તાવેજોમાં PMMVY માટે કોઈ અલગ જોગવાઈ ન હોવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે માતૃત્વ લાભના સંપૂર્ણ અમલીકરણ માટે લગભગ 12,000 કરોડ રૂપિયાના બજેટની જરૂર છે, પરંતુ PMMVY માટેના બજેટ દસ્તાવેજોમાં કોઈ અલગ માહિતી આપવામાં આવી નથી.

સંબંધિત લેખો

Back to top button