મિઝોરમ ચૂંટણી માટે સોનિયા ગાંધીએ રીલિઝ કર્યો વીડિયો ને કર્યા પ્રહારો
ઐઝવાલઃ મિઝોરમ વિધાનસભાની ચૂંટણી માટે 7મી નવેમ્બરે 40 સીટો પર મતદાન થશે. મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ એક વીડિયો જાહેર કર્યો છે અને લોકોને કોંગ્રેસને વોટ કરવાની અપીલ કરી છે.
મિઝોરમ વિધાનસભાની 40 સીટો પર 7મી નવેમ્બરે ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્યની સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ પાર્ટી જોરમ પીપલ્સ મૂવમેન્ટ અને કોંગ્રેસ સખત સ્પર્ધામાં છે. અહીં ભાજપ પણ પુરી તાકાત સાથે મેદાનમાં ઉતર્યું છે. આ દરમિયાન કોંગ્રેસે સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીનો એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેઓ મિઝોરમના લોકોને પાર્ટીની તરફેણમાં મત આપવા અપીલ કરી રહ્યા છે.
મિઝોરમમાં ભાજપના ઘણા મોટા નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીથી લઈને સોનિયા ગાંધી સુધીના તમામ દિગ્ગજ કોંગ્રેસીઓ ભાજપ પર આક્રમક બની ગયા છે. સોનિયા ગાંધીએ કહ્યું કે ભાજપ અને આરએએસના કારણે માત્ર મિઝોરમ અને ઉત્તર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લોકશાહી જોખમમાં છે. તે માત્ર વિવિધતાને મહત્વ આપતા નથી, તે લોકશાહી અને સંવાદને પણ મહત્વ આપતા નથી.
સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મણિપુર હિંસા મુદ્દે સંપૂર્ણ મૌન જાળવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપે મણિપુરમાં સમાજને વિભાજિત કર્યો. લોકો છ મહિનાથી મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે, પરંતુ શાંતિ અને સમાધાન માટે કોઈ પ્રયાસો કરવામાં આવ્યા નથી. 6 મહિનાની હિંસા છતાં તેમણે મણિપુરની મુલાકાત લેવાનું યોગ્ય ન લાગ્યું તેવી ટીકા પણ ગાંધીએ કરી હતી.
તેમણે કહ્યું મિઝોરમનું મારા હૃદયમાં ખૂબ જ વિશિષ્ટ સ્થાન છે. હું ઘણી વખત મિઝોરમની મુલાકાત લઈ ચૂકી છું. તમારી પરંપરા અને સંસ્કૃતિ, તમારી ભૂમિની સુંદરતા અને સમૃદ્ધિએ મારા પર ઊંડી છાપ છોડી છે. હું તમારા સ્નેહની ભૂલી શકી નથી.
ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે યાદ કર્યું કે ઐતિહાસિક મિઝો કરાર પછી તરત જ તેમણે તેમનાં પરિવાર સાથે મિઝોરમની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે ભાજપે સંસદમાં કાયદો પસાર કરાવ્યો, જેના કારણે મિઝોરમમાં વન કાયદા નબળા પડી ગયા.
તેમણે કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકારો દ્વારા પૂરા કરવામાં આવેલા વચનોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે મિઝોરમના યુવાનો અને મહિલાઓને શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે કોંગ્રેસને મત આપવાની અપીલ છે